અવધ એક્સપ્રેસ | ગોધરા
ઘોઘંબા તાલુકાના ચેલાવાડા ગામે ગ્રામ પંચાયતના વહીવટને લઈને વિવાદ વધુ વકર્યો છે. મહિલા સરપંચ શકીબેન રાઠવાના સ્થાને તેમના પતિ શૈલેષભાઈ રાઠવા દ્વારા પંચાયતનો વહીવટ કરવામાં આવતો હોવાની રજૂઆત ડેપ્યુટી સરપંચ નટુભાઈ સહિતના સભ્યો દ્વારા અગાઉ ગ્રામસભામાં તેમજ તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભામાં ઉઠાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
ચેલાવાડા ગ્રામ પંચાયતની 26 સપ્ટેમ્બરે યોજાયેલી સામાન્ય સભામાં ડેપ્યુટી સરપંચ નટુભાઈ તથા અન્ય સભ્યોએ આ મુદ્દો તલાટી કમ મંત્રી અતુલભાઈ કટારા સમક્ષ રજૂ કર્યો હતો. સભ્યો દ્વારા પંચાયતના વહીવટમાં ચૂંટાયેલા સભ્યોને વિશ્વાસમાં લેવામાં આવતા હોવા અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.
સ્થાનિક અહેવાલ મુજબ સામાન્ય સભામાં મહિલા સરપંચના સ્થાને તેમના પતિ દ્વારા વહીવટ થતો હોવાના આક્ષેપ સાથે ડેપ્યુટી સરપંચ અને સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો.
આ સમગ્ર મામલો સમાચાર માધ્યમોમાં પ્રસિદ્ધ થયા બાદ ગતરોજ મહિલા સરપંચ, તેમના પતિ અને તલાટી કમ મંત્રી ડેપ્યુટી સરપંચ નટુભાઈના ઘરે પહોંચ્યા હતા અને તેમની સાથે બોલાચાલી કરી હતી
ડેપ્યુટી સરપંચના જણાવ્યા મુજબ, “તમે આ મુદ્દા કેમ ઉઠાવો છો અને સમાચાર માધ્યમોમાં કેમ આપો છો?” તેમ કહીને તેમની સાથે બોલાચાલી કરવામાં આવી છે.

વાયરલ થયેલા વીડિયોને લઈને પણ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. જોકે, વીડિયોની સંપૂર્ણ પરિસ્થિતિ, તેમાં દેખાતા વ્યક્તિઓની ઓળખ સ્પષ્ટ છે જેમાં મહિલા સરપંચ તેમના પતિ અને તલાટી દેખાઈ રહ્યા છે જ્યારે મહિલા સરપંચ અને તેમનો પતિ ડેપ્યુટી સરપંચ ને ખરી ખોટી સંભળાવી રહ્યા છે
વિવાદમાં હવે તલાટી કમ મંત્રીની ભૂમિકા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. ડેપ્યુટી સરપંચ પક્ષનો આક્ષેપ છે કે પંચાયતના વહીવટને લગતા પ્રશ્નો અંગે રજૂઆતો કરવા છતાં યોગ્ય નિરાકરણ આવ્યું નથી અને સમાચાર પ્રસિદ્ધ થયા બાદ તલાટી સરપંચ અને તેમના પતિ સાથે ડેપ્યુટી સરપંચના ઘરે પહોંચ્યા હતા.
સવાલ એ છે કે પંચાયતના આંતરિક વહીવટી પ્રશ્ન અંગે તલાટી કમ મંત્રીની ભૂમિકા શું હોવી જોઈએ? અને કોઈ ચૂંટાયેલા સભ્ય દ્વારા વહીવટ અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવે ત્યારે તેનો ઉકેલ સત્તાવાર પંચાયતી પ્રક્રિયા અને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ થવો જોઈએ કે વ્યક્તિગત મુલાકાત અને બોલાચાલી સુધી મામલો પહોંચવો જોઈએ?
ચેલાવાડા ગ્રામ પંચાયતના વહીવટ અંગે માત્ર સરપંચના પતિ દ્વારા વહીવટ કરવાના આક્ષેપો પૂરતા જ સવાલો નથી. ડેપ્યુટી સરપંચ તથા અન્ય સભ્યો દ્વારા સફાઈની ગ્રાન્ટ સહિત વિવિધ વિકાસકામોમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હોવાનું જણાવાય છે.
ડેપ્યુટી સરપંચ પક્ષનું કહેવું છે કે આ મુદ્દાઓ અંગે તલાટી કમ મંત્રી તેમજ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી સંતોષકારક કાર્યવાહી થઈ નથી.
ચેલાવાડા ગ્રામ પંચાયતના વહીવટને લઈને ઊભા થયેલા સમગ્ર વિવાદમાં હવે અનેક સવાલો ઉભા થયા છે.
શું મહિલા સરપંચની જગ્યાએ તેમના પતિ દ્વારા પંચાયતનો વહીવટ કરવામાં આવે છે?
જો આવું થાય છે તો તેની સત્તાવાર સ્થિતિ શું છે?
સફાઈ ગ્રાન્ટ અને વિકાસકામો અંગે કરવામાં આવેલા આક્ષેપોની તપાસ થઈ છે કે નહીં?
ડેપ્યુટી સરપંચ અને સભ્યોની રજૂઆતો પર તાલુકા કક્ષાના અધિકારીઓએ શું કાર્યવાહી કરી?
અને સમાચાર પ્રસિદ્ધ થયા બાદ ડેપ્યુટી સરપંચના ઘરે થયેલી કથિત બોલાચાલી અંગે તલાટી કમ મંત્રીની ભૂમિકા શું હતી?
હવે સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારી અથવા સંબંધિત ઉચ્ચ પંચાયત અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને હકીકત શું છે તે જાહેર કરવામાં આવે, તેવી માંગ ઉઠી રહી છે.
ચેલાવાડા ગ્રામ પંચાયતના વહીવટને લઈને ચાલી રહેલા આ વિવાદમાં આક્ષેપો સાચા છે કે નહીં તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. સંબંધિત સરપંચ, તેમના પતિ અને તલાટી કમ મંત્રીનો પક્ષ પણ સત્તાવાર રીતે સામે આવે તે જરૂરી છે.
