અવધ એક્સપ્રેસ | ઘોઘંબા
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાની વાવડી ફળિયા વર્ગ પ્રાથમિક શાળા, પાધોરા ખાતે તાજેતરમાં શાળાના આચાર્ય રૂમાલભાઈ મનસુખભાઈ રાઠવા ની લાંબી શૈક્ષણિક સેવાયાત્રા પૂર્ણ થતાં એક ભાવનાત્મક અને ભવ્ય વયનિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો હતો. આ આનંદ, ગૌરવ અને લાગણીસભર પ્રસંગે શિક્ષણપ્રેમી વ્યક્તિત્વના સન્માન માટે મોટી સંખ્યામાં મહાનુભાવો, શિક્ષકમિત્રો, ગ્રામજનો, વાલીઓ અને વહાલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળા પરિવાર વતી ઉપસ્થિત તમામ મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં પંચમહાલ જિલ્લા શિક્ષણ સમિતિના માજી ચેરમેન રમેશભાઈ રાઠવા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિપુલભાઈ પટેલ, તાલુકા પંચાયતના સભ્ય મનુભાઈ આર. રાઠવા સહિત બી.આર.સી. કો-ઓર્ડિનેટર, બીટ કેળવણી નિરીક્ષકો, આદિવાસી યુવા સંઘેર્ષ સમીતિ ના પ્રમુખ અને કેાશૈક્ષણિક મહાસંઘના હોદ્દેદારો, સરપંચ તથા પાધોરા ગામના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
વિદાય સમારોહ દરમિયાન આચાર્ય રૂમાલભાઈ રાઠવાએ શિક્ષણક્ષેત્રે આપેલી ઉત્કૃષ્ટ સેવાઓ, વિદ્યાર્થીઓ પ્રત્યેનો સ્નેહ અને શાળા પ્રત્યેની નિષ્ઠાને યાદ કરી ઉપસ્થિત વક્તાઓ દ્વારા તેમના જીવનઘડતર અને યોગદાનને બિરદાવવામાં આવ્યા હતા. સહકર્મીઓ અને ગ્રામજનોએ પણ તેમની સાથે વિતાવેલા સમયના સંસ્મરણો અને લાગણીઓ વ્યક્ત કરી હતી.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ મહાનુભાવો, સહયોગીઓ અને ગ્રામજનોનો આભાર માનવામાં આવ્યો હતો અને રૂમાલભાઈ મનસુખભાઈ રાઠવા ને તેમની આગામી જીવનયાત્રા માટે સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને આનંદની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. સાથે આ હૃદયસ્પર્શી વિદાય સમારોહની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને અંતે સૌએ સાથે મળીને ભોજન કરી, અવિસ્મરણીય યાદો સાથે સહર્ષ છૂટા પડ્યા હતા.
