અવધ એક્સપ્રેસ | ઘોઘંબા
સામાજિક વનીકરણ વિભાગ, ગોધરા દ્વારા ૭૭મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી અંતર્ગત ઘોઘંબા તાલુકાના કંકોડાકોઈ અને જીતપુરા ખાતે નવનિર્મિત ‘વન કવચ’નું લોકાર્પણ તથા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ તથા ૧૨૮-હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે રિબિન કાપી નવનિર્મિત વન કવચને લોકાર્પણ કરી વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે ઘોઘંબા ભાજપ સંગઠન પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ, વિવિધ ગામોના સરપંચો, તાલુકા તથા જિલ્લા પંચાયતના સદસ્યો, ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સહિત વનવિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

૮ હેક્ટર વિસ્તારમાં ૮૦ હજાર વૃક્ષોનું વાવેતર
કંકોડાકોઈ અને જીતપુરા ખાતે તૈયાર કરવામાં આવેલા વન કવચમાં આશરે ૮ હેક્ટર વિસ્તારમાં ૮૦ હજાર વૃક્ષોના વાવેતરનું આયોજન કરવામાં આવ્યું છે. હરિયાળી વધારવા અને પર્યાવરણ સંરક્ષણના હેતુથી તૈયાર કરાયેલું આ વન કવચ આગામી સમયમાં સ્થાનિક વિસ્તાર માટે હરિયાળા ફેફસા સમાન બની રહે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
વનવિભાગની મહેનતથી ‘વન વૃંદાવન’ જેવું રૂપ મળ્યું
આ વન કવચને આકાર આપવા માટે ઘોઘંબા સામાજિક વનીકરણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ છેલ્લા કેટલાય સમયથી દિવસ-રાત ભારે જહેમત ઉઠાવી હતી. સતત કામગીરીના પરિણામે અહીં સુંદર અને હરિયાળું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. સમગ્ર વિસ્તારને ‘વન વૃંદાવન’ જેવો આકાર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
વન કવચની સીધી દેખરેખ તથા તેની સંબંધિત માહિતી CMO અને PMO સ્તરે કરવામાં આવતી હોવાનું કાર્યક્રમ દરમિયાન જણાવાયું હતું. વનવિભાગ દ્વારા તૈયાર કરાયેલા આ પ્રોજેક્ટને સ્થાનિક સ્તરે પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણને પ્રોત્સાહન આપતી પહેલ તરીકે જોવામાં આવી રહ્યો છે.
આ પ્રસંગે સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક વિનોદ આર. ડામોર, ACF ગોધરા એ.એ. પટેલ, રેન્જ ફોરેસ્ટ અધિકારી એમ.એલ. બારીઆ સહિત વનવિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

