અવધ એક્સપ્રેસ | ઘોઘંબા
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે રાજગઢ પોલીસ દ્વારા વધુ એક સફળ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસની સતર્કતા, બાતમીદારોના નેટવર્ક અને સમયસૂચક કામગીરીના પરિણામે ગોયાસુડલ ગામના જંગલ વિસ્તારમાં નાકાબંધી કરીને બજાજ પલ્સર મોટરસાઇકલ પર વિદેશી દારૂનો જથ્થો લઈ જતા એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા અને મોટરસાઇકલ સહિત કુલ રૂ. 3,06,920નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર ગુનો નોંધ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી, પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાત તથા કાલોલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક નવીન આહીર દ્વારા જિલ્લામાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જેના અનુસંધાને રાજગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ગઢવીને અંગત બાતમીદાર મારફતે ચોક્કસ બાતમી મળી હતી કે કાટુ ચોકડી તરફથી ગોયાસુડલ ગામના જંગલ માર્ગે પાંચપથરા તરફ એક ઇસમ પોતાની બજાજ પલ્સર મોટરસાઇકલ પર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને પસાર થવાનો છે.
આ બાતમીને ગંભીરતાથી લઈ પીઆઈ એમ.બી. ગઢવીએ સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ આર.એસ. રાઠોડને જાણ કરી પોલીસ સ્ટાફ સાથે તાત્કાલિક કાર્યવાહીનું આયોજન કર્યું હતું. પોલીસ ટીમે ગોયાસુડલ ગામ નજીક જંગલ વિસ્તારમાં વ્યૂહાત્મક રીતે વોચ ગોઠવી નાકાબંધી કરી હતી. દરમિયાન બાતમી મુજબની બજાજ પલ્સર મોટરસાઇકલ આવતાં પોલીસે તેને અટકાવી તપાસ કરતાં તેના પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે એક ઇસમને દારૂના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
1,152 નંગ દારૂ-બિયરના ટીન સહિત રૂ. 3.06 લાખનો મુદ્દામાલ કબજે
રાજગઢ પોલીસે પકડાયેલા જથ્થામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના ટીન, બિયર તથા ક્વાર્ટરિયાં મળી કુલ 1,152 નંગનો રૂ. 2,56,920ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત જીજે-20-એએન-5639 નંબરની બજાજ પલ્સર મોટરસાઇકલ, જેની કિંમત રૂ. 50,000 આંકવામાં આવી છે, તે પણ જપ્ત કરવામાં આવી હતી. આમ, પોલીસે કુલ રૂ. 3,06,920નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પીઆઈ એમ.બી. ગઢવી અને પીએસઆઈ આર.એસ. રાઠોડની કામગીરીની સરાહના
ગોયાસુડલના જંગલ વિસ્તારમાં ચોક્કસ બાતમીના આધારે નાકાબંધી ગોઠવી દારૂની હેરાફેરી ઝડપી પાડવામાં રાજગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.બી. ગઢવીની આગવી સૂઝબૂઝ અને પીએસઆઈ આર.એસ. રાઠોડની આગેવાની હેઠળની ટીમની સતર્ક કામગીરી મહત્વપૂર્ણ રહી હતી. પોલીસની સમયસૂચક કાર્યવાહીથી દારૂનો જથ્થો ગંતવ્ય સુધી પહોંચે તે પહેલાં જ ઝડપી લેવામાં સફળતા મળી હતી.
આ કામગીરીમાં પીઆઈ એમ.બી. ગઢવી, પીએસઆઈ આર.એસ. રાઠોડ, અ.પો.કો. અનિલકુમાર દલપતસિંહ (બ.નં. 1048), અ.પો.કો. રાહુલકુમાર શંકરભાઈ (બ.નં. 973) તથા અ.પો.કો. રાજેન્દ્રસિંહ ગુલાબસિંહ (બ.નં. 1492) જોડાયા હતા.
રાજગઢ પોલીસની આ કામગીરીથી દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. ઘોઘંબા તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ નશાકારક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા પોલીસની આવી સતર્ક કામગીરીને સ્થાનિક સ્તરે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
* પીઆઈ એમ.બી. ગઢવી અને પીએસઆઈ આર.એસ. રાઠોડની આગેવાનીમાં ગોયાસુડલના જંગલ વિસ્તારમાં સફળ કાર્યવાહી; 1,152 નંગ બિયર-દારૂનાં ટીન અને ક્વાર્ટરિયાં સહિત રૂ. 3.06 લાખનો મુદ્દામાલ કબજે
