અવધ એક્સપ્રેસ | ઘોઘંબા
પંચમહાલ જિલ્લાના રાજગઢ પોલીસ મથકની સર્વેલન્સ ટીમે સરહદી રાજ્ય મધ્યપ્રદેશની કુખ્યાત ગણાતી કુતરીયા ગેંગના એક આરોપીને દારૂના જથ્થા સાથે ઝડપી પાડતાં પોલીસને મોટી સફળતા મળી છે. સાગટાળા પોલીસ મથકમાં નોંધાયેલા વાહન સળગાવવા સહિતના ગંભીર ગુનાઓમાં વોન્ટેડ આ આરોપી અલીરાજપુર પોલીસના ગુનામાં પણ સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા તેમજ દારૂની હેરાફેરી પર અંકુશ મેળવવા વિશેષ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત દરરોજ સવારે ૫થી ૮ વાગ્યા દરમિયાન તમામ પોલીસ મથકોને ફરજિયાત પેટ્રોલિંગની જવાબદારી સોંપવામાં આવી હતી.

આ કામગીરી દરમિયાન રાજગઢ પોલીસ મથકના પી.આઈ. એમ.બી. ગઢવી અને પી.એસ.આઈ. આર.આર. રાઠોડ સહિતની સર્વેલન્સ ટીમે વહેલી સવારના પેટ્રોલિંગ દરમિયાન મધ્યપ્રદેશના સરહદી વિસ્તારમાં સક્રિય કુતરીયા ગેંગના એક આરોપીને દારૂના ગણનાપાત્ર જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. સરહદી વિસ્તારમાંથી થતી અસામાજિક પ્રવૃત્તિઓ અને દારૂની હેરાફેરી અટકાવવા પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી.
ધારીયા અને અણીદાર પાળિયાં સાથે ફરતી ગેંગનો ખૌફ!
સ્થાનિક સ્તરે કુતરીયા ગેંગનું નામ હિંસક પ્રવૃત્તિઓ અને હથિયારોના ઉપયોગ સાથે જોડાઈને ચર્ચામાં રહ્યું છે. તીર કામઠા,ધારીયા અને અણીદાર પાળિયાં જેવા ઘાતક હથિયારો સાથે ફરતી આ ગેંગ સામે આવનાર વ્યક્તિને હથિયારોના જોરે ધમકાવતી હોવાની વિગતો સામે આવી રહી છે. ગેંગની આવી હિંસક છબીના કારણે સરહદી વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાતો હોવાની ચર્ચા છે. જોકે, આ પ્રકારની પ્રવૃત્તિઓ અંગે પોલીસ તપાસ અને કાયદાકીય કાર્યવાહી મહત્વપૂર્ણ રહેશે.

સાગટાળાના બે ગુનાઓમાં હતો વોન્ટેડ
પકડાયેલા આરોપી વિરુદ્ધ સાગટાળા પોલીસ મથકમાં બે અલગ-અલગ ગુનાઓ નોંધાયેલા છે. જેમાં વર્ષ ૨૦૨૩ના ગુનામાં ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૭, ૩૫૩, ૧૮૬, ૪૨૭, ૪૩૫, ૪૪૦ સહિતની ગંભીર કલમો તેમજ જી.પી. એક્ટ અને પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં વાહન સળગાવવા સહિતની ગંભીર બાબતોનો સમાવેશ થાય છે.
જ્યારે વર્ષ ૨૦૨૬માં સાગટાળા પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(ઇ) અને ૧૧૬(બી) હેઠળ નોંધાયેલા બીજા ગુનામાં પણ આરોપી વોન્ટેડ હતો. આ ઉપરાંત અન્ય સરહદી જિલ્લા અલીરાજપુરના પોલીસ મથકમાં નોંધાયેલા ગંભીર ગુનામાં પણ તે વોન્ટેડ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
સરહદી વિસ્તારોમાં ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપતા તત્વો સામે રાજગઢ પોલીસની આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશો મળ્યો છે કે ગુનેગારો ગમે તેટલા શાતિર હોય, કાયદાની પકડથી બચવું સરળ નથી. દિવાળીના તહેવારો દરમિયાન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા વિશેષ પેટ્રોલિંગના પરિણામે વોન્ટેડ આરોપીની ધરપકડ થતાં પોલીસ તંત્રની સતર્કતા પણ સામે આવી છે.
હવે આ ગેંગ સાથે સંકળાયેલા અન્ય શખ્સો અને તેમની ગુનાહિત પ્રવૃત્તિઓ અંગે પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે તેના પર સૌની નજર રહેશે.
કોણ છે કુતરીયા ગેંગ? ચંબલના ડાકુઓ જેવી બેફામ ગુનાખોરીની દહેશત!
મધ્યપ્રદેશના સરહદી વિસ્તારોમાં ચર્ચાતું કુતરીયા ગેંગનું નામ હિંસક ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાઈ રહ્યું છે. આ ગેંગના સભ્યો મોટરસાઇકલ પર અણીદાર ધારીયા, પાળિયાં અને તીર કામઠા જેવાં ઘાતક હથિયારો સાથે વિદેશી દારૂની હેરાફેરી કરતા હોય છે. તેમની ગતિવિધિઓમાં અવરોધ ઊભો કરનાર પોલીસ કર્મચારી હોય કે સામાન્ય નાગરિક, તેની સામે હથિયારોથી હુમલો કરવાની તૈયારી રાખતા હોય છે.
એક સમયે ઉત્તર પ્રદેશની ચંબલની ઘાટીમાં ખૂંખાર ડાકુઓ જે રીતે ધાડ, લૂંટફાટ અને હત્યા જેવા ગંભીર ગુનાઓને અંજામ આપીને પોલીસ માટે પડકાર ઊભો કરતા હતા, તેવી જ રીતે કુતરીયા ગેંગની હિંસક કાર્યપદ્ધતિને લઈને સરહદી વિસ્તારોમાં ભય અને ચિંતાનો માહોલ હોવાનું કહેવાય છે.
દારૂની હેરાફેરી માટે હથિયારોનો સહારો લેવો અને રસ્તામાં રોકનાર સામે હુમલાખોર વલણ અપનાવવું એ કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ ગંભીર બાબત છે. ત્યારે સવાલ એ છે કે આ ગેંગમાં કેટલા સભ્યો સક્રિય છે? તેમની પાછળ કયું નેટવર્ક કાર્યરત છે? અને સરહદી વિસ્તારોમાં તેમની ગુનાહિત પ્રવૃત્તિઓને કાયમી રોકવા પોલીસ કેવાં પગલાં લેશે?
કુતરીયા ગેંગનો ખૌફ તોડવો હવે પોલીસ માટે માત્ર પડકાર નહીં, પરંતુ સરહદી વિસ્તારની સુરક્ષા માટે પણ મહત્ત્વનો પ્રશ્ન બન્યો છે.

ખૂંખાર ગેંગને ખાખીનો દમ બતાવ્યો! રાજગઢ પોલીસની નિર્ભય કામગીરી ગુનેગારોને કડક સંદેશ
કુખ્યાત ગણાતી કુતરીયા ગેંગના આરોપીને ઝડપી પાડવાની કામગીરી માત્ર પોલીસની સફળતા નથી, પરંતુ ખાખી વર્દી પ્રત્યેની ફરજ, નિષ્ઠા અને હિંમતનું જીવંત ઉદાહરણ છે. રાજગઢ પોલીસ સ્ટેશનના નિર્ભય પી.આઈ. એમ.બી. ગઢવી, પી.એસ.આઈ. આર.આર. રાઠોડ સહિતની સમગ્ર સર્વેલન્સ ટીમે કોઈપણ પ્રકારનો ખૌફ રાખ્યા વિના જોખમી પરિસ્થિતિમાં કામગીરી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો.
ગુનેગાર કેટલો પણ ખતરનાક હોય, તેની પાસે ગમે તેવાં ઘાતક હથિયારો હોય કે તે કેટલો પણ બેફામ કેમ ન હોય, કાયદાના રક્ષકો પોતાની ફરજથી પાછળ હટતા નથી તે રાજગઢ પોલીસની કામગીરીએ દર્શાવ્યું છે. પોતાની સુરક્ષાની ચિંતા કરતાં ફરજને પ્રાથમિકતા આપીને ગુનાખોરી સામે લડતા પોલીસ અધિકારીઓ અને જવાનોની નિષ્ઠા ખરેખર પ્રશંસનીય છે.
ખાખી માત્ર વર્દી નથી, એ જવાબદારી, સાહસ અને જનતાની સુરક્ષાનું પ્રતીક છે. ગુનેગારોને ખુલ્લો પડકાર છે કે કાયદાથી ઉપર કોઈ નથી! પંચમહાલ પોલીસની આ કામગીરી ખાખીની તાકાત અને પોલીસની ફરજ પ્રત્યેની વફાદારીનો સંદેશ આપે છે.
* 2023 માં આ હિંસક ગેંગ ના માણસો એ સાગટાળા પોલીસ સ્ટેશનની ગાડી ને સળગાવી પ્રાણ ઘાતક હથિયારો થી પોલીસ ઉપર હુમલો કરેલો જે બાબતે 15 થી 20 આરોપીઓ ઉપર નામ જોગ ગુન્હો દાખલ થયેલ
