નવી દિલ્હી:
દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં આજે વિપક્ષી રાજકીય પક્ષોના મોટા ભાગના નેતાઓ એકત્રિત થયા હતા. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવાની માગ સાથે યોજાયેલી આ રેલીને કોંગ્રેસ, મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પક્ષોએ સમર્થન આપ્યું હતું. આ રેલીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને આરજેડી નેતા તેજસ્વી યાદવ સહિતના નેતાઓએ સંબોધન કર્યું હતું.
રાહુલ ગાંધી બોલ્યા: ત્રણેયે દેશની આત્મા પર હુમલો કર્યો
રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, અમે નરેન્દ્ર મોદી, અમિત શાહ કે જ્ઞાનેશ કુમારને નફરત કરતા નથી, પરંતુ આ ત્રણેયે દેશની આત્મા, બંધારણ અને લોકશાહી પર હુમલો કર્યો હોવાનો અમારો આક્ષેપ છે. તેમણે કહ્યું કે તેમના માટે કોઈ વ્યક્તિ દુશ્મન નથી, પરંતુ દેશના નાગરિકોના અવાજનું રક્ષણ કરવું સૌથી મહત્ત્વપૂર્ણ છે.
રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીના વિચારોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે સમાજના છેવાડે ઊભેલા વ્યક્તિનો અવાજ સૌથી મહત્ત્વનો છે. ધર્મ, જાતિ, વર્ગ કે લિંગના ભેદભાવ વિના દરેક નાગરિકના અધિકારોનું રક્ષણ થવું જોઈએ. દેશમાં નફરત નહીં, પરંતુ પ્રેમ અને ભાઈચારાની જરૂરિયાત છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ પ્રદર્શન કોઈ એક પક્ષ કે નેતાનું નથી, પરંતુ લોકશાહી અને બંધારણના રક્ષણ માટેનો સામૂહિક અવાજ છે.
દેશ બે-ત્રણ લોકોના હાથમાં સોંપી શકાય નહીં: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને ઉદ્યોગપતિઓ વચ્ચેના સંબંધો અંગે આક્ષેપો કરતાં કહ્યું કે દેશની તમામ મહત્ત્વપૂર્ણ સંસ્થાઓ અને માળખાકીય સુવિધાઓ થોડા ઉદ્યોગપતિઓના નિયંત્રણમાં જાય તેવું ભારત અમને સ્વીકાર્ય નથી. અદાણીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે એરપોર્ટ, રેલવે, શિક્ષણ, આરોગ્ય અને અન્ય માળખાકીય ક્ષેત્રો પર થોડા લોકોનું વર્ચસ્વ સ્થાપિત થવું ન જોઈએ.
તેમણે વધુમાં જણાવ્યું કે દેશના ખેડૂતો, મજૂરો અને યુવાનોને તેમના અધિકારો મળવા જોઈએ. દેશની સંપત્તિ થોડા લોકોના હાથમાં કેન્દ્રિત થવાને બદલે સામાન્ય નાગરિકોના હિતમાં વપરાવી જોઈએ. રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે ભવિષ્યમાં કાયદાકીય કાર્યવાહી કરવાની પણ વાત કરી હતી.
જ્ઞાનેશ કુમાર મુખ્ય ચૂંટણી કમિશનર પદેથી હટશે: રાહુલ ગાંધી
રેલી દરમિયાન રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને લઈને આક્રમક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે જ્ઞાનેશ કુમાર મુખ્ય ચૂંટણી કમિશનર પદેથી હટશે. રાહુલ ગાંધીએ તેમના પર મતચોરીના ગંભીર આક્ષેપો કરતાં કાયદાકીય કાર્યવાહી અને જેલની સજાની શક્યતા અંગે પણ નિવેદન આપ્યું હતું.
તેમણે આક્ષેપ કર્યો કે દેશની અનેક સંસ્થાઓ પર આરએસએસ અને કેન્દ્ર સરકારનું નિયંત્રણ સ્થાપિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. શિક્ષણ, આરોગ્ય, સીબીઆઈ, ઈડી, ન્યાયતંત્ર, નોકરશાહી અને પોલીસ જેવી સંસ્થાઓ સ્વતંત્ર રીતે કાર્ય કરે તે જરૂરી છે.
રાહુલ ગાંધીએ ખેડૂતો, યુવાનો અને મજૂરોના અધિકારોનો મુદ્દો ઉઠાવીને કહ્યું કે દેશની સંપત્તિ થોડા ઉદ્યોગપતિઓ સુધી મર્યાદિત ન રહેવી જોઈએ.
બંધારણને નષ્ટ નહીં થવા દઈએ: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ પોતાના સંબોધનના અંતે જણાવ્યું કે આ લડાઈ માત્ર કોઈ એક રાજકીય પક્ષની નથી, પરંતુ દેશના યુવાનો, ખેડૂતો, મજૂરો અને સામાન્ય નાગરિકોના અધિકારોની છે. તેમણે કહ્યું કે દેશમાં લોકશાહીનો અંત આવવા નહીં દઈએ અને બંધારણને નષ્ટ થવા નહીં દઈએ.
તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે વિવિધ રાજ્યોની મતદાર યાદીઓમાંથી મોટી સંખ્યામાં મતદારોનાં નામ દૂર કરવામાં આવ્યાં છે. મધ્યપ્રદેશ, હરિયાણા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને પશ્ચિમ બંગાળ સહિતનાં રાજ્યોમાં મતદાર યાદી અને ચૂંટણી પ્રક્રિયાને લઈને પ્રશ્નો ઊભા થયા હોવાનો તેમણે દાવો કર્યો હતો.
રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને મતદારોના અધિકારોનું રક્ષણ કરવાની માગ કરી હતી.
મમતા બેનર્જીનો આક્ષેપ: ઈવીએમ લૂંટાયું, લોકશાહી અને બંધારણ પર હુમલો થયો
પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસનાં વડાં મમતા બેનર્જીએ રેલીને સંબોધતાં જણાવ્યું કે અમે લોકશાહીને બચાવવા માટે લડીશું અને પીછેહઠ નહીં કરીએ. તેમણે આક્ષેપ કર્યો કે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ગેરરીતિઓ થઈ છે અને એસઆઈઆર (SIR) પ્રક્રિયાનો ઉપયોગ ભાજપને ફાયદો પહોંચાડવા માટે કરવામાં આવ્યો છે.
મમતા બેનર્જીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની ભૂમિકા સામે સવાલો ઉઠાવી તેમને પદ પરથી હટાવવાની માગ કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે લોકશાહી અને બંધારણનું રક્ષણ કરવા માટે વિપક્ષ એકજૂથ થઈને લડત આપશે.
ઉત્તર પ્રદેશમાં ૧.૨૭ કરોડ હિંદુ મતદારોનાં નામ કપાયાં હોવાનો અખિલેશ યાદવનો દાવો
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પોતાના સંબોધનમાં ઉત્તર પ્રદેશની મતદાર યાદીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે દાવો કર્યો કે રાજ્યમાં આશરે ૧.૨૭ કરોડ હિંદુ મતદારોનાં નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યાં છે. તેમણે જણાવ્યું કે આ આંકડાઓને ૪૦૩ વિધાનસભા બેઠકોના આધારે જોવામાં આવે તો દરેક બેઠક પર મતદારોની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે.
અખિલેશ યાદવે ભાજપ પર ચૂંટણી પ્રક્રિયાનો રાજકીય લાભ લેવાનો આક્ષેપ કરતાં કહ્યું કે ચૂંટણીમાં જનતાનો વિશ્વાસ જીતવાને બદલે ચૂંટણી પંચના માધ્યમથી રાજકીય લાભ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે અગાઉની ચૂંટણીઓમાં પણ સમાજવાદી પાર્ટીના મતદારોનાં નામ યાદીમાંથી દૂર કરાયાં હોવાનો આક્ષેપ કર્યો હતો.
તેમણે જણાવ્યું કે આ અંગે પક્ષના કાર્યકરોએ બૂથ સ્તરે માહિતી એકત્રિત કરી ચૂંટણી પંચ સમક્ષ સોગંદનામા સાથે રજૂઆત કરી હતી, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી થઈ ન હોવાનું તેમનું કહેવું હતું.
મોદી અને અમિત શાહે યુવાનો, દલિતો અને મહિલાઓના મત છીનવવાનો પ્રયાસ કર્યો: ખડગે
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રેલીને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સામે આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે યુવાનો, દલિતો અને મહિલાઓના મતાધિકારને અસર પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ જ મુદ્દે વિપક્ષી પક્ષો રામલીલા મેદાનમાં એકત્રિત થયા છે.
ખડગેએ વધુમાં જણાવ્યું કે વિપક્ષ ઈડી અને સીબીઆઈ જેવી તપાસ એજન્સીઓથી ડરવાનો નથી અને લોકશાહી તથા બંધારણના રક્ષણ માટે સંઘર્ષ ચાલુ રાખશે.
બિહારથી શરૂ થઈ મતચોરી: તેજસ્વી યાદવનો આક્ષેપ
રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે રેલીને સંબોધતાં આક્ષેપ કર્યો હતો કે દેશમાં મતચોરીની શરૂઆત બિહારથી થઈ છે. તેમણે કેન્દ્ર સરકારની નીતિઓની ટીકા કરતાં સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા.
ભાજપ અને આરએસએસ માટે ભારતના ઇતિહાસમાં કોઈ સ્થાન નથી: નેહા બોરા
ઇન્ડિયા ગઠબંધનની રેલીમાં આઇસા (AISA)નાં અધ્યક્ષ નેહા બોરાએ પણ સંબોધન કર્યું હતું. તેમણે આક્ષેપ કર્યો કે લોકશાહીના મૂળભૂત સમાનતાના અધિકારોને નબળા પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
તેમણે કહ્યું કે ભારતની આઝાદી અને ઇતિહાસને કોઈ એક રાજકીય પક્ષ સાથે જોડીને જોઈ શકાય નહીં. દેશનો ગૌરવશાળી ઇતિહાસ કોઈ એક પક્ષ કે સંગઠનથી મર્યાદિત નથી. રામલીલા મેદાનમાં એકત્રિત થયેલા લોકો લોકશાહી અને સમાનતાના અધિકારોના રક્ષણ માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી રહ્યા છે.
