બ્રિટનમાં નોકરી ગુમાવ્યા બાદ ગોરખપુરના સોફ્ટવેર એન્જિનિયરે પરિવારથી છુપાવી રાખી વાત; પિતાના હૃદયસ્પર્શી જવાબે પુત્રની તમામ ચિંતાઓ દૂર કરી
ઉત્તર પ્રદેશના ગોરખપુરના એક યુવાન સોફ્ટવેર એન્જિનિયરની જીવનમાં બનેલી ઘટના હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. બ્રિટનની પ્રતિષ્ઠિત કંપનીમાં નોકરી કરતા આ યુવાનની કંપનીમાં છટણી થતાં નોકરી છૂટી ગઈ હતી. આ આઘાત બાદ તેમણે સતત બે મહિના સુધી પરિવારથી પોતાની નોકરી ગુમાવ્યાની વાત છુપાવી રાખી હતી. જોકે, આખરે જ્યારે તેમણે પિતાને હિંમત કરીને સત્ય જણાવ્યું ત્યારે પિતાના જવાબે પુત્રની આંખો ભીની કરી દીધી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, ઉત્તર પ્રદેશના ગોરખપુરના રહેવાસી મોહમ્મદ કૈશ અંસારીએ IIIT ઊનાથી એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ તેમણે ભારતમાં એક કંપનીમાં નોકરી કરી હતી. ફેબ્રુઆરી 2024માં તેમને એક કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી મળી હતી. આ નોકરીના પગલે તેઓ બ્રિટનના સ્કોટલેન્ડ સ્થિત ગ્લાસગો શહેરમાં રહેવા ગયા હતા, જ્યાં તેમણે આશરે અઢી વર્ષ સુધી કામગીરી કરી હતી.
પરંતુ જુલાઈ મહિનામાં કંપની દ્વારા કરવામાં આવેલી છટણીના કારણે તેમની નોકરી જોખમમાં મુકાઈ હતી. કૈશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પોતાની સાથે બનેલી સમગ્ર ઘટનાનો અનુભવ શેર કર્યો છે, જે હાલ વાયરલ થઈ રહ્યો છે.
તેમણે જણાવ્યું કે 8 જુલાઈની સવારે આશરે 10 વાગ્યે તેઓ રોજની જેમ ઓફિસ પહોંચ્યા હતા. દિવસ દરમિયાન કરવાનાં કામ અને મીટિંગ્સનું આયોજન કરી રહ્યા હતા, ત્યારે અચાનક તેમના મેનેજરનો સંદેશ આવ્યો કે શું આજે વન-ટુ-વન મીટિંગ થઈ શકે છે?
ત્યારબાદ સવારે 11 વાગ્યે મેનેજર સાથે મીટિંગ રૂમમાં મુલાકાત થઈ હતી. થોડીવારની શાંતિ બાદ મેનેજરે તેમને જણાવ્યું કે તેમનું પદ ‘રિસ્ક ઓફ રિડન્ડન્સી’ હેઠળ મૂકવામાં આવ્યું છે. શરૂઆતમાં કૈશ આ શબ્દનો અર્થ સમજી શક્યા નહોતા. વધુ પૂછપરછ કરતાં મેનેજરે સમજાવ્યું કે કંપનીમાં છટણીની પ્રક્રિયા શરૂ થઈ રહી છે.
મેનેજરે વધુમાં જણાવ્યું કે કંપની તેમને એક મહિનાનો સમય આપશે, જેમાં તેઓ કંપનીની અંદર અન્ય કોઈ પદ પર નોકરી મેળવવાનો પ્રયાસ કરી શકશે. જો આ સમયગાળા દરમિયાન બીજી કોઈ યોગ્ય જગ્યા નહીં મળે તો એક મહિનાનો નોટિસ પિરિયડ શરૂ કરવામાં આવશે.
આ સમાચાર સાંભળતાં જ કૈશ માટે જાણે પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. વિદેશમાં સારી નોકરી અને ઉજ્જવળ ભવિષ્યનાં સપનાં જોતા યુવાન માટે આ મોટો આઘાત હતો. નોકરી ગુમાવ્યા બાદ તેમણે બે મહિના સુધી પરિવારને આ અંગે જાણ કરી નહોતી. આખરે જ્યારે પિતાને સમગ્ર હકીકત જણાવી ત્યારે પિતાએ આપેલો જવાબ તેમના માટે હિંમત અને આશ્વાસનનું કારણ બન્યો હતો.
