અવધ એક્સપ્રેસ | ઘોઘંબા
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) શાખામાં ફરજ બજાવતા કર્મચારી પારેખ પ્રવીણભાઈ વિઠ્ઠલભાઈની ઉત્કૃષ્ટ કામગીરીને ઘોઘંબા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા બિરદાવવામાં આવી છે. ગ્રાહકો સાથેના સૌહાર્દપૂર્ણ વ્યવહાર, વિનમ્ર સ્વભાવ અને સેવાભાવી અભિગમ બદલ સંઘ દ્વારા ગોધરા સ્થિત રિજિયોનલ બ્રાન્ચ મેનેજરને પ્રશંસાપત્ર પાઠવી તેમની કામગીરીની સરાહના કરવામાં આવી છે.
ઘોઘંબા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચૌહાણ મહેશસિંહ માધવસિંહે પાઠવેલા પ્રશંસાપત્રમાં જણાવ્યું છે કે, પારેખ પ્રવીણભાઈની કામગીરી અત્યંત પ્રશંસનીય અને સંતોષકારક રહી છે. શિક્ષણ વિભાગના કર્મચારીઓ સાથે તેમનો વ્યવહાર હંમેશાં સહકારપૂર્ણ અને સૌહાર્દભર્યો રહ્યો છે. તેમની સખત મહેનત, સતત પ્રયાસો અને બેંકિંગ સેવાઓ પ્રત્યેની નિષ્ઠાને પરિણામે તાલુકાના આશરે ૬૫૦ જેટલા શિક્ષકોનાં સેલેરી એકાઉન્ટ એસબીઆઈમાં સફળતાપૂર્વક ખોલાવવામાં આવ્યા છે.
વધુમાં સંઘે જણાવ્યું હતું કે પારેખ પ્રવીણભાઈની વિનમ્રતા અને સેવાભાવી સ્વભાવને કારણે સ્થાનિક ગ્રાહકોમાં પણ તેમના પ્રત્યે સારો આદર અને વિશ્વાસ જોવા મળે છે. આગામી સમયમાં પણ તેમના સહકારથી અન્ય બેંકોમાં ખાતાં ધરાવતા વધુ શિક્ષકોને એસબીઆઈ સાથે જોડવાના પ્રયાસો ચાલુ રાખવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
ઘોઘંબા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે પારેખ પ્રવીણભાઈની લોકઉપયોગી અને પ્રશંસનીય સેવાઓને હાર્દિક આવકારી ભવિષ્યમાં પણ તેઓ આવી જ નિષ્ઠા અને સમર્પણભાવથી કામગીરી કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી છે.
* ૬૫૦ જેટલા શિક્ષકોના સેલેરી એકાઉન્ટ ખોલાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કર્મચારીની કામગીરીને લઈ પ્રશંસાપત્ર પાઠવાયું
