અવધ એક્સપ્રેસ | ઘોઘંબા
ઘોઘંબા તાલુકાના રણજીતનગર ગામે ઘોઘંબા પંથકની જીવાદોરી સમાન ગુજરાત ફ્લોરો કંપની (GFL) દ્વારા પાંચમા SDG Day Celebrationની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ટકાઉ વિકાસના લક્ષ્યો અંગે કર્મચારીઓ તેમજ ગ્રામજનોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી આયોજિત કાર્યક્રમમાં કંપનીના અધિકારીઓ, પોલીસ અધિકારી, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનો પ્રારંભ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા, પાણી બચત, આરોગ્ય, શિક્ષણ અને કુદરતી સંસાધનોના જવાબદાર ઉપયોગ જેવા મહત્વના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીઓના નાટક દ્વારા પર્યાવરણ જાગૃતિનો સંદેશ
SDG દિવસની ઉજવણીમાં રણજીતનગરના વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ જાગૃતિ આધારિત નાટક રજૂ કરવામાં આવ્યું હતું. નાટકના માધ્યમથી પર્યાવરણનું જતન, પાણીનો બગાડ અટકાવવો, સ્વચ્છતા જાળવવી તેમજ કુદરતી સંસાધનોનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા અંગે અસરકારક સંદેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓની રજૂઆતને ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક વધાવી હતી.

ટકાઉ વિકાસ માટે જનભાગીદારી પર ભાર
SDG દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ કર્મચારીઓ અને સ્થાનિક સમુદાયમાં Sustainable Development Goals અંગે સમજ અને જાગૃતિ વિકસાવવાનો હતો. પર્યાવરણ સંરક્ષણની સાથે આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા અને પાણી બચત જેવા ક્ષેત્રોમાં ટકાઉ વિકાસ કેવી રીતે શક્ય બને તે અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
કંપની દ્વારા CSR પ્રવૃત્તિઓને ટકાઉ વિકાસના લક્ષ્યો સાથે જોડીને સ્થાનિક સ્તરે સામાજિક અને પર્યાવરણીય યોગદાનને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સાથે જ બાળકો, યુવાનો, કર્મચારીઓ અને ગ્રામજનોમાં સામાજિક જવાબદારીની ભાવના કેળવાય અને “કોઈને પાછળ ન છોડવું”ના સિદ્ધાંત સાથે સમાવેશી વિકાસ તરફ આગળ વધવામાં આવે તે માટે પણ ભાર મૂકાયો હતો.

મહેમાનોએ ગરબાની રમઝટ જમાવી
કાર્યક્રમ દરમિયાન સાંસ્કૃતિક માહોલ પણ જોવા મળ્યો હતો. ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોએ ગરબાની રમઝટ જમાવી હતી. પરંપરાગત ગરબાના તાલે સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો.
છેલ્લા પાંચ વર્ષથી SDG દિવસની ઉજવણી
ગુજરાત ફ્લોરો કંપની દ્વારા છેલ્લા પાંચ વર્ષથી SDG Dayની ઉજવણી કરવામાં આવી રહી છે. કંપનીના જણાવ્યા અનુસાર આવી ઉજવણીનો હેતુ માત્ર એક દિવસ પૂરતો જાગૃતિ કાર્યક્રમ યોજવાનો નહીં, પરંતુ ટકાઉ વિકાસના વિચારોને કર્મચારીઓ અને સ્થાનિક સમુદાયના દૈનિક જીવન સાથે જોડવાનો છે.

અધિકારીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિ
આ પ્રસંગે GFLના કલોલ ચક્રવર્તી, કોર્પોરેટ ઇનોક્ષ GFL HR હેડ, ડૉ. સુનિલ ભટ્ટ, રણજીતનગર HR હેડ, કિંજલ પંચાલ, CSR હેડ જિગ્નેશ મોરી, રાજગઢ પોલીસ સ્ટેશનના PSI આર.એસ. રાઠોડ, રણજીતનગરના સરપંચ , શૈલેષભાઈ પટેલ, મિત્તલભાઈ પટેલ, મહેન્દ્રસિંહ સહિત કંપનીના પ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રણજીતનગર ખાતે યોજાયેલા આ SDG દિવસના કાર્યક્રમમાં ઉદ્યોગ અને ગ્રામસમુદાય વચ્ચેના સહયોગ સાથે પર્યાવરણ જાગૃતિ અને ટકાઉ વિકાસનો સંદેશ વધુ મજબૂત બન્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ પર્યાવરણનું જતન, કુદરતી સંસાધનોનું સંરક્ષણ અને જવાબદાર જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

