નવી દિલ્હી,
સ્થાનિક ટેક્સટાઇલ ઉદ્યોગની કાચા માલની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે કપાસની આયાત પરની હાલની કસ્ટમ ડ્યુટી મુક્તિ 31 ડિસેમ્બર 2026 સુધી લંબાવી છે.
આ મુદત વધારો નાણા મંત્રાલયના મહેસૂલ વિભાગ દ્વારા 30 ઓક્ટોબર 2026ના રોજના નોટિફિકેશન નંબર 35/2026-કસ્ટમ્સ દ્વારા અધિસૂચિત કરવામાં આવ્યો છે. આ સુધારા દ્વારા, હાલની મુક્તિ, જે 31 ઓક્ટોબર 2026 સુધી ઉપલબ્ધ હતી, તેને બે મહિના માટે, 31 ડિસેમ્બર 2026 સુધી લંબાવવામાં આવી છે.
આ નિર્ણયનો ઉદ્દેશ્ય સ્થાનિક ટેક્સટાઇલ ક્ષેત્ર માટે કપાસની ઉપલબ્ધતા વધારવાનો, વિશિષ્ટ કપાસની જરૂરિયાતોને પૂરી કરવાનો અને ટેક્સટાઇલ તથા એપરલ વેલ્યુ ચેઇનમાં મુલ્યવર્ધનને ટેકો આપવાનો છે.
આ પગલાથી ટેક્સટાઇલ અને એપરલ ઉત્પાદકોને તેમની કાચા માલની જરૂરિયાતો પૂરી કરવામાં વધુ સુગમતા મળશે, ઇનપુટ ખર્ચના દબાણને હળવુ કરવામાં મદદ મળશે, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ને ટેકો મળશે અને સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય બજારોમાં ભારતીય ટેક્સટાઇલની સ્પર્ધાત્મકતા મજબૂત થશે તેવી અપેક્ષા છે.
આ મુદત વધારાથી કાચા માલની અવિરત ઉપલબ્ધતા સુગમ બનશે, ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ઓપરેશનલ સુગમતા સુધરશે અને કપાસ આધારિત ટેક્સટાઇલ અને એપરલ ક્ષેત્રે વધુ મુલ્યવર્ધનને પ્રોત્સાહન મળશે તેવી અપેક્ષા છે.
કાપડ મંત્રાલય સ્પર્ધાત્મક, સ્થિતિસ્થાપક અને વૈશ્વિક સ્તરે એકીકૃત ટેક્સટાઇલ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા, મૂલ્યવર્ધન અને રોજગાર સર્જનને આગળ વધારવા અને સમગ્ર ટેક્સટાઇલ વેલ્યુ ચેઇનના લાંબા ગાળાના વિકાસને પ્રોત્સાહિત કરવા માટે પ્રતિબદ્ધ છે.
