(પ્રતિનિધિ,કાજર બારીયા)
છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ એવા કદવાલ તાલુકામાં પશુપાલન એ સ્થાનિક આદિવાસી અને ગ્રામીણ પરિવારોની આજીવિકાની કરોડરજ્જુ છે. પરંતુ વર્તમાન સમયમાં આસમાને આંબેલી મોંઘવારી અને સ્થાનિક દૂધ ડેરીઓની ખરીદ નીતિના કારણે પશુપાલકો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા હોવાની બૂમ ઉઠી છે. ખુલ્લા બજારમાં ગ્રાહકો દૂધ રૂ.૭૦ પ્રતિ લિટરના ભાવે ખરીદી રહ્યા છે, જ્યારે રાત-દિવસ લોહીનું પાણી કરીને ભેંસો ઉછેરતા કદવાલ તાલુકાના સામાન્ય દૂધ ધારકોને ડેરીઓના ફેટ મશીન મુજબ લિટરના માંડ રૂ.૪૦ થી ૪૫ જ મળી રહ્યા છે. દૂધના બજાર ભાવ અને પશુપાલકોને મળતા ભાવ વચ્ચેના આ વિશાળ તફાવતને લઈને સમગ્ર તાલુકાના પશુપાલકોમાં સરકાર અને ડેરી પ્રશાસન સામે ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે.
કદવાલ તાલુકાના વિવિધ ગામોમાંથી ઉઠેલી સામૂહિક રજૂઆતો અનુસાર, હાલના સમયમાં મોંઘવારી ચરમસીમાએ પહોંચી છે. ભેંસોને ખવડાવવામાં આવતું પશુદાણ, કપાસિયા ખોળ, ખાણ તેમજ સૂકા અને લીલા ચારાના ભાવ છેલ્લા કેટલાક સમયમાં બમણા થઈ ગયા છે. આ સંજોગોમાં પશુઓનો નિભાવ ખર્ચ, રોગચાળા સામેની દવાઓ અને મજૂરી ગણતા દૂધનું ઉત્પાદન કરવું એ પશુપાલકો માટે દેવાના ખાડામાં ઉતરવા સમાન સાબિત થઈ રહ્યું છે. એક બાજુ તમામ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે, તો બીજી તરફ દૂધના પૂરતા ભાવ ન ચૂકવાતા પશુપાલકો પૂછી રહ્યા છે કે આખરે અમારો વાંક શું?

સમગ્ર કદવાલ તાલુકાના દૂધ ધારકોમાં અત્યારે એક જ સૂર ઉઠ્યો છે કે જો જગતના તાત ગણાતા પશુપાલકોને જીવતા રાખવા હોય તો ગુજરાત સરકાર અને સહકારી ડેરીના સત્તાધીશોએ તાત્કાલિક આ બાબતમાં હસ્તક્ષેપ કરવો પડશે. ફેટ કાઢવાના મશીનોની ગણતરીમાં પશુપાલકોનું થતું આર્થિક ધોવાણ અટકાવીને, વર્તમાન મોંઘવારીના ગ્રાફને ધ્યાને રાખી દૂધ ધારકોને પ્રતિ લિટર ઓછામાં ઓછા રૂ.૬૫ નો ફિક્સ ભાવ ચૂકવવામાં આવે તેવી કદવાલ તાલુકાની જનતાની પ્રબળ લોક માંગ છે. જો સરકાર દ્વારા વહેલી તકે આ અંગે હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો પશુપાલકો દૂધ ઉત્પાદન બંધ કરવા કે આંદોલનનું શરણું લેવા મજબૂર બનશે તેવી વ્યાપક ચર્ચા ગ્રામ્ય વિસ્તારોમાં ચાલી રહી છે.
