(અવધ એક્સપ્રેસ)
*શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર દ્વારા પ્રકાશિત અખંડ ભારતના શિલ્પીની કાશ્મીર-ગાથા: સરદાર પટેલના અપ્રગટ દસ્તાવેજો ઉજાગર કરતા ઐતિહાસિક ગ્રંથનું ‘લાલચોક’ ખાતે ભવ્ય લોકાર્પણ*
*’Sardar Patel and Kashmir: The Untold History’ — ડૉ. રિઝવાન કાદરી સંશોધિત-સંપાદિત ૧૧૯ પ્રકરણોનો દસ્તાવેજી ગ્રંથ ૨૨મી સપ્ટેમ્બરે શ્રીનગરમાં ખુલ્લો મુકાશે*
*કાશ્મીરના વિલીનીકરણની અકથ્ય કથા હવે ગ્રંથસ્થ*
સરદાર વલ્લભભાઈ પટેલે કાશ્મીરના વિલીનીકરણમાં આપેલા ઐતિહાસિક પ્રદાનને ઉજાગર કરતો દસ્તાવેજી ગ્રંથ ‘Sardar Patel and Kashmir: The Untold History’ આગામી તા. ૨૨-૯-૨૦૨૬ના રોજ સવારે ૯:૦૦ કલાકે શ્રીનગરના ઐતિહાસિક સ્થળ ‘લાલચોક’ ખાતે લોકાર્પિત થશે. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર દ્વારા પ્રકાશિત – જાણીતા ઇતિહાસકાર ડૉ. રિઝવાન કાદરીએ સંશોધિત-સંપાદિત કરેલો આ ૧૧૯ પ્રકરણોનો ગ્રંથ સરદાર પટેલના કાશ્મીર અંગેના અપ્રસિદ્ધ દસ્તાવેજો પર આધારિત છે, જે અત્યાર સુધી ઇતિહાસનાં પાનાંઓમાં ધરબાયેલા રહ્યા હતા.
*આધ્યાત્મિકતા અને રાષ્ટ્રભક્તિનો સંગમ*
એ જ દિવસે સાંજે ૪:૦૦ કલાકે ટાગોર હોલ, શ્રીનગર ખાતે ગ્રંથનું ઔપચારિક લોકાર્પણ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી જીતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ અને જમ્મુ-કાશ્મીરના લેફ્ટેનન્ટ ગવર્નર શ્રી મનોજ સિંહાની ઉપસ્થિતિમાં થશે. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા લાલચોકમાં યોજાનારો આ ‘રાષ્ટ્રીય એકતા’ કાર્યક્રમ પોતાના પ્રકારનો સર્વપ્રથમ કાર્યક્રમ છે, જે આધ્યાત્મિકતા અને રાષ્ટ્રભક્તિના સંગમનું સાક્ષી બનશે.
*ઇતિહાસનું અવિસ્મરણીય પ્રકરણ*
તા. ૪ નવેમ્બર, ૧૯૪૭ના રોજ યુદ્ધના ભયાવહ વાતાવરણ વચ્ચે સરદાર પટેલે રૂબરૂ જમ્મુ-કાશ્મીરની ધરતી પર પગ મૂકીને ભારતીય સૈનિકોમાં અદમ્ય મનોબળ ફૂંક્યું હતું. તેમની આ દૂરદર્શિતા અને અડગ નેતૃત્વનું જ પરિણામ છે કે આજે જમ્મુ-કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે. આ ગ્રંથ ૧૧૯ પ્રકરણો થકી ઇતિહાસના આ અલ્પજ્ઞાત છતાં પ્રેરણાદાયી સત્યોને દેશના યુવાનો અને નાગરિકો સમક્ષ પ્રથમ વખત ઉજાગર કરે છે.
*અમદાવાદથી વિશાળ યાત્રા*
સરદાર પટેલની સાર્ધશતાબ્દીના સમાપન પ્રસંગને અનુલક્ષીને યોજાનારા આ કાર્યક્રમના સાક્ષી બનવા અમદાવાદથી શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના ૬૦ સંતો અને અંદાજે ૭૦૦ હરિભક્તો ખાસ જમ્મુ-કાશ્મીર પહોંચશે. દેશ-વિદેશથી ઊમટનારા હરિભક્તોની આ ઉપસ્થિતિ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવશે.
રાષ્ટ્રવ્યાપી ઉત્સાહ
સરદાર સાહેબના અખંડ ભારતના સ્વપ્નને શબ્દાંજલિ આપતા આ મહોત્સવમાં જોડાવા દેશભરના પ્રબુદ્ધ નાગરિકો અને મહાનુભાવોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
મહંત સદ્દગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી
