આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા એપ ‘ઇન્સ્ટાગ્રામ’ માત્ર મનોરંજનનું સાધન નથી રહ્યું, પરંતુ વેરઝેર અને ખૂની ખેલનું મેદાન બની રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં સોશિયલ મીડિયા પર પરિવારની મહિલાઓના ફોટા મૂકવા અને તેના પર કોમેન્ટ કરવા જેવી બાબતમાં બે પક્ષો વચ્ચે ચાલી રહેલી ખટરાગે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. ઇન્સ્ટાગ્રામ વોરની અદાવતમાં ત્રણ સગા ભાઈઓએ એક સરકારી કર્મચારીને ધોળા દિવસે રસ્તા વચ્ચે આંતરી, ચપ્પુ બતાવી, ડામર રોડ પર પછાડીને નિર્મયતાપૂર્વક ઢસડી ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. લોહીલુહાણ બનેલા યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે, જ્યારે ઝોઝ પોલીસે ગુનો નોંધીને હુમલાખોર ત્રિપુટીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
બનાવની વિગતો એવી છે કે, છોટાઉદેપુરના કેવડી પટેલ ફળીયામાં રહેતા ૩૫ વર્ષીય અશ્વિનભાઈ સુમનભાઈ રાઠવા તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવે છે. અશ્વિનભાઈ ગત રોજ સાંજે આશરે ૬:૦૦ વાગે પોતાની સરકારી ફરજ પૂરી કરીને બાઈક પર ઘર તરફ પરત ફરી રહ્યા હતા. દરમિયાન સાંજે ૭ વાગ્યાના અરસામાં ઈંટવાડા ગામના છાપરા બસ સ્ટેન્ડ નજીક વળાંક પાસે, અગાઉથી જ કાવતરું ઘડીને ઘાત લગાવીને બેઠેલા કેવડી ઈંટવાડા ફળીયાના ત્રણ સગા ભાઈઓ ભગાભાઈ નવલસીંગભાઈ રાઠવા, અમરસિંગભાઈ નવલસીંગભાઈ રાઠવા અને કાળુભાઈ નવલસીંગભાઈ રાઠવાએ પોતાની મોટરસાયકલ આડી નાખી અશ્વિનભાઈનો રસ્તો રોકી દીધો હતો.
રસ્તો રોકતાની સાથે જ મુખ્ય આરોપી ભગાભાઈ રાઠવાએ અશ્વિનભાઈ પર પિત્તો ગુમાવ્યો હતો અને આક્રોશમાં આવીને તરાપ મારી હતી કે, “તેં ઇન્સ્ટાગ્રામ પર મારી પત્નીનો ફોટો મૂકેલો છે, તેના પર તું કેમ આવી કોમેન્ટો કરે છે?” જેની સામે ભોગ બનનાર અશ્વિનભાઈએ પણ નીડરતાથી સામો સવાલ દાગ્યો હતો કે, “તમે મારા કાકાની છોકરીના ફોટા કેમ ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકો છો? તમારે કોઈની દીકરીના ફોટા સોશિયલ મીડિયા પર ન મૂકવા જોઈએ.” આ સાંભળતા જ ત્રણેય ભાઈઓ શફાતરી થઈ ગયા હતા અને એકદમ ઉશ્કેરાઈ ગયા હતા.
વાતચીત ઉગ્ર બનતા જ ઉશ્કેરાયેલા કાળુભાઈ રાઠવાએ સટાક કરતું પોતાના ખિસ્સામાંથી એક ધારદાર બટનવાળું ચપ્પુ કાઢી લીધું હતું અને અશ્વિનભાઈ તરફ ધસ્યો હતો. ત્યારબાદ ભગાભાઈ અને કાળુભાઈએ અશ્વિનભાઈને મોટરસાયકલ પરથી નીચે ખેંચી, તેમના બંને હાથ પકડી ડામર રોડ પર પછાડી દીધા હતા અને નિર્દયતાપૂર્વક ગડદાપાટુનો ઢોર માર માર્યો હતો. હુમલાખોરોએ એટલી ક્રૂરતા દાખવી હતી કે અશ્વિનભાઈને રોડ પર ઘસડ્યા હતા, જેના કારણે તેમના જમણા કાન, જમણી આંખ અને આખા શરીર પર ગંભીર ઇજાઓ થઈ હતી. ત્રણેય શખ્સોએ આસપાસ ભયનું સામ્રાજ્ય ફેલાવી ગંદી ગાળો ભાંડી હતી અને ધમકી આપી હતી કે, જો બીજી વાર આ રસ્તેથી નીકળ્યો તો તને ગાડી નીચે કચડીને જ સીધો જાનથી મારી નાખીશું!

હુમલા દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા ગામના અન્ય રહીશ જીજ્ઞેશભાઈ વરીયાએ ફરિયાદીના કાકાને ફોન કરીને આ અંગે જણાવ્યું હતું. જેથી ઇજાગ્રસ્ત યુવકના પરિવારજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે યુવકને પહેલા ઝોઝ સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર અપાવી હતી, ત્યારબાદ હાલત વધુ ગંભીર જણાતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. ઝોઝ પોલીસે અશ્વિનભાઈ રાઠવાની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. સોશિયલ મીડિયાની અદાવતમાં થયેલા આ હુમલાના કારણે સ્થાનિક પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
