આગામી ગણપતિ મહોત્સવ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે રાજગઢ પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સહિત તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે પોલીસ તંત્ર દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાલોલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક નવીન આહિર તેમજ રાજગઢ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ગઢવી સહિત પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ગણપતિ મંડળોના સભ્યો, ગામના આગેવાનો, રાજકીય આગેવાનો તેમજ ડીજે સંચાલકો જોડાયા હતા.

બેઠક દરમિયાન ગણપતિ મહોત્સવ અને વિસર્જનના કાર્યક્રમો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, જાહેર વ્યવસ્થામાં ખલેલ ન પહોંચે તથા કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ ગણપતિ મંડળોના આયોજકો અને ડીજે સંચાલકોને તહેવાર દરમિયાન નક્કી કરાયેલા નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી હતી. સાથે જ પોલીસ અને આયોજકો વચ્ચે સતત સંકલન જળવાઈ રહે તે અંગે પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
ગણપતિ મહોત્સવને લઈને રાજગઢ પોલીસ દ્વારા અત્યારથી જ તકેદારીના પગલાં શરૂ કરવામાં આવ્યા છે. શાંતિ, સલામતી અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ગણેશોત્સવ સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર અને આયોજકો વચ્ચે સહકાર જળવાઈ રહે તે બેઠકનો મુખ્ય ઉદ્દેશ રહ્યો હતો.
