સાવલી તાલુકાના મંજૂસર GIDCમાં આવેલી કંપનીમાં થયેલી ચોરીનો ભેદ મંજૂસર પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડતા મંજૂસર પોલીસ ની કામગીરી સાવલી પંથક માં વખણાઈ રહી છે.
મળતી માહિતી મુજબ, મંજૂસર GIDCના પ્લોટ નંબર-373 ખાતે આવેલી ટ્રેડસ પેટ્રોટેક પ્રા.લિ. કંપનીમાં ચોરીની ઘટના બની હતી. કંપનીમાંથી ચોરી થયાની ફરિયાદ મળતા મંજૂસર પોલીસે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ટેકનિકલ અને અન્ય તપાસના આધારે ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જણાવ્યું છે. ચોરીની ઘટનામાં ઉપયોગમાં લેવાયેલ GJ-06-SP-5294 નંબરનું એક્ટિવા પણ પોલીસે કબજે કર્યું છે. આ ઉપરાંત બે એન્ડ્રોઇડ મોબાઇલ ફોન પણ પોલીસના હાથે લાગ્યા હતા. મંજૂસર પોલીસે કુલ ₹87,000નો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જણાવ્યું છે. ઝડપાયેલા આરોપીઓમાં દીપકકુમાર રમચન્દ્ર પરમાર, રાહુલભાઈ રમેશભાઈ ગોહિલ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકનો સમાવેશ થાય છે.
મંજૂસર પોલીસે સમગ્ર મામલે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળતા પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.
