કાજર બારીયા (છોટાઉદેપુર)
અવધ એક્સપ્રેસ, તા.૧૯
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના વાવડી ગામે ખેતરમાં એકલા રહેતા વૃદ્ધ દંપતી પર અજાણ્યા શખ્સોએ ઘાતકી હુમલો કરતા સમગ્ર પંથકમાં ભય અને ચકચારનો માહોલ સર્જાયો છે. આ હુમલામાં વૃદ્ધ મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે તેના પતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વાવડી ગામના ખેતરમાં રહેતા કાંગુભાઈ રાઠવા અને તેમના પત્ની મનચીબેન રાઠવા પર ગત રાત્રે અજાણ્યા હુમલાખોરોએ અચાનક હુમલો કર્યો હતો. હુમલામાં મનચીબેન રાઠવાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે કાંગુભાઈ રાઠવાને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ઇજાગ્રસ્ત કાંગુભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે બોડેલીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તબીબી સૂત્રોના જણાવ્યા મુજબ તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસની પ્રાથમિક તપાસ અને સ્થાનિકોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ હુમલાખોરોએ મનચીબેનના શરીર પર રહેલા ઘરેણાં લૂંટવાના ઈરાદે આ હુમલો કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, હુમલા અને મોત પાછળનું ચોક્કસ કારણ પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાવીજેતપુર પોલીસ તેમજ કરાલી પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે એફએસએલની ટીમની મદદથી સ્થળ પરથી જરૂરી પુરાવા એકત્રિત કર્યા છે. ફરાર હુમલાખોરોને ઝડપી પાડવા માટે આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી શોધખોળ પણ તેજ કરવામાં આવી છે.
ખેતરમાં એકલા રહેતા વૃદ્ધ દંપતી પર રાત્રિના સમયે થયેલા આ હુમલાથી વાવડી ગામ સહિત આસપાસના વિસ્તારમાં ભય અને રોષ ફેલાયો છે. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યા સહિતના ગુનાઓ હેઠળ કાર્યવાહી શરૂ કરીને આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સાથે જ ખેતરો અને એકાંત વિસ્તારોમાં રહેતા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પેટ્રોલિંગ વધારવા અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે.
