શ્રાવણ માસનો અંતિમ દિવસ એટલે પિઠોરી અમાસ. આ પવિત્ર દિવસે વિશ્વવિખ્યાત સંત શિરોમણી સ્વામીજી સાવલીવાળાની ૩૫મી પુણ્યતિથિ નિમિત્તે ભક્તિ પર્વની ભવ્ય ઉજવણી ભીમનાથ મહાદેવ મંદિર ખાતે અત્યંત શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવી હતી. ‘સત્ય સંકલ્પનો દાતા ભગવાન’ અને ‘સુખ ચાહો તો સુખ દો’ જેવા અમર સંદેશો આપનાર સ્વામીજી સાવલીવાળાની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા વિવિધ ધાર્મિક અને ભક્તિમય કાર્યક્રમોમાં દેશ વિદેશ તથા સમગ્ર સાવલી પંથકમાંથી મોટી સંખ્યામાં સ્વામીભક્તો ઉમટી પડ્યા હતા.
પુણ્યતિથિના કાર્યક્રમોનો પ્રારંભ સ્વામીજી દ્વારા નિર્મિત યંત્ર આધારિત સાચી અંબા માતાજીના મંદિરે વહેલી સવારે નવચંડી યાગ સાથે થયો હતો. સાંજે ૫ વાગ્યે શ્રીફળ હોમી યજ્ઞકર્મની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

ત્યારબાદ વર્ષોની પરંપરા મુજબ સ્વામીજીની પાદુકાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. શોભાયાત્રામાં ઉત્સાહપૂર્વક જોડાવા માટે અબાલવૃદ્ધ સૌ ભક્તજનો તથા ગ્રામજનો સાંજે ૪ વાગ્યે જમનોત્રી બંગલે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સ્વયંભૂ ઉપસ્થિત થયેલી વિવિધ ભજન મંડળીઓ, આકર્ષક વેશભૂષામાં સજ્જ શાળાના બાળકો, સૌમ્ય ભક્તિસંગીત રેલાવતું બેન્ડ, ડમરુ અને કરતાલના ગગનભેદી નાદ કરતી મહાકાલ સેના તથા તાજાં રંગબેરંગી ફૂલોથી શણગારેલી પાલખીએ સમગ્ર શોભાયાત્રાને અદભૂત અને દર્શનીય બનાવી હતી.
પાદુકાની શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ત્યારે વિવિધ સ્થળોએ ભક્તો દ્વારા પુષ્પવર્ષા કરી પાદુકાની પાલખીનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સંધ્યા આરતીના સમયે શોભાયાત્રા ભીમનાથ મહાદેવ મંદિરના વિશાળ પટાંગણમાં આવી પહોંચી ત્યારે સમગ્ર મંદિર પરિસર માનવમેદનીથી ખીચોખીચ ભરાઈ ગયું હતું. સંધ્યા આરતી બાદ ઉપસ્થિત તમામ ભક્તજનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.
પુણ્યતિથિ નિમિત્તે ભીમનાથ મહાદેવ મંદિરના સમગ્ર પરિસરને રંગબેરંગી રોશનીથી મનમોહક રીતે શણગારવામાં આવ્યું હતું. સ્વામીજીનું સમાધિ મંદિર, ગેબીનાથ દાદાનું સમાધિ મંદિર, શિવાલયનું ગર્ભગૃહ તથા સ્વામીજીની બેઠકને વિવિધ રંગબેરંગી ફૂલો અને હારથી નયનરમ્ય રીતે સજાવવામાં આવ્યા હતા. આ અદભૂત સજાવટને કારણે સમગ્ર મંદિર પરિસર દિવ્ય આભા સાથે જાણે સ્વર્ગ સમું રળિયામણું લાગી રહ્યું હતું.

પુણ્યતિથિના દિવસે પ્રાતઃકાળે ૩.૩૦ કલાકે પ્રહર પૂજા, સવારે ૫ વાગ્યે પ્રાતઃ આરતી અને ૭ વાગ્યે શહનાઈ વાદનથી ભક્તિ પર્વનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ શિવાલયના ગર્ભગૃહ સમક્ષ આવેલી સંગીત પ્રચારિણી સભાના વિશાળ રંગમંચ પરથી ‘ૐ નમઃ શિવાય’ની અખંડ ધૂનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક લોકકલાકારો દ્વારા સતત બાર કલાક સુધી અખંડ ધૂનનું પારાયણ કરવામાં આવ્યું હતું.
સ્વામીજી અને ગેબીનાથ દાદાની સમાધિ સમક્ષ ડાકોરથી પધારેલા વિદ્વાન ભૂદેવો દ્વારા હોમાત્મક લઘુરુદ્ર યાગનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્વાન પંડિતોના મુખેથી ઉચ્ચારાતા મંત્રોચ્ચાર અને સ્વાહા સ્વાહા ના પવિત્ર નાદથી મંદિર પરિસરનું વાતાવરણ દિવ્ય અને ભક્તિમય બની ગયું હતું. મધ્યાહન સમયે શ્રીફળ હોમી યજ્ઞકર્મની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. પૂર્ણાહુતિ સમયે દત્તબાવની અને આરતીના તાલે ઉપસ્થિત ભક્તજનો ભાવવિભોર બન્યા હતા.
વહેલી સવારથી જ સ્વામીજીના સમાધિ મંદિર તથા શિવાલયના ગર્ભગૃહમાં દર્શન કરી સ્વામીજીના શુભ આશિષ મેળવવા દેશ વિદેશ તથા સમગ્ર સાવલી પંથકમાંથી સ્વામીભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભક્તજનોએ સ્વયંભૂ શિસ્ત જાળવી હરોળબદ્ધ રીતે ઊભા રહી દર્શન અને પરિક્રમાનો શાંતિપૂર્વક લાભ લીધો હતો.

ભીમનાથ મહાદેવ મંદિરના પાછળના ભાગે આવેલા કેદારેશ્વર ભવનના વિશાળ હોલમાં દર્શનાર્થે આવેલા તમામ ભક્તજનો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત સ્વામીભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કરી સુંદર વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. દર્શનાર્થે આવતા ભક્તજનો માટે ગરમાગરમ ચાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
સંધ્યા સમયે જેમ જેમ અખંડ ધૂનનું સમાપન નજીક આવતું ગયું તેમ તેમ ‘ૐ નમઃ શિવાય’ના મંત્રોચ્ચારનો સ્વર અને તાલ વધુને વધુ ઉન્નત બનતો ગયો. સંગીત પ્રચારિણી સભાનો વિશાળ હોલ અબાલવૃદ્ધ, સ્ત્રી પુરુષ ભક્તજનોથી ખીચોખીચ ભરાઈ ગયો હતો. ઢોલ નગારાં, શંખનાદ અને તાળીઓના ગગનભેદી અવાજ સાથે ગૂગળની સુગંધિત ધૂમ્રશેરો વચ્ચે ગુંજતી ‘ૐ નમઃ શિવાય’ની અખંડ ધૂનથી સમગ્ર વાતાવરણ ભાવવિભોર, ભક્તિમય અને દિવ્ય બની ગયું હતું.
ભક્તજનો આનંદ અને ભક્તિમાં લીન થઈ ઢોલના તાલે તાળીઓની રમઝટ સાથે ડોલતા અને નાચતા જોવા મળ્યા હતા. અખંડ ધૂનના સમાપન સાથે સંધ્યાકાળે સ્વામીજીની સમાધિ મંદિર સમક્ષ ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત સર્વે ભક્તજનોએ શિવજીના આશીર્વાદ મેળવી ભક્તિ અને આનંદમાં તરબોળ બની આ પવિત્ર ભક્તિ પર્વને લાગણીથી ભીના હૃદયે માણ્યો હતો.
શ્રાવણ માસનો અંતિમ દિવસ અને સ્વામીજીની પુણ્યતિથિનું અનેરું મહાત્મ્ય હોવાથી મહાઆરતી બાદ સંગીત પ્રચારિણી સભાના રંગમંચ પર રાત્રે ૮.૩૦ કલાકે અશ્વિનભાઈ પાઠકના મધુર સ્વરે સુંદરકાંડના પાઠનું પારાયણ કરવામાં આવ્યું હતું.
આમ, સ્વામીજી સાવલીવાળાની ૩૫મી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા વિવિધ ધાર્મિક, આધ્યાત્મિક અને ભક્તિમય કાર્યક્રમોમાં સાવલી પંથક સહિત દેશ વિદેશમાંથી પધારેલા સ્વામીભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મહાપ્રસાદનો લાભ લઈ તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં શ્રદ્ધાપૂર્વક સહભાગી બની ભક્તજનોએ આ પવિત્ર ભક્તિ પર્વને ભાવપૂર્વક માણી અને આ ભક્તિ પર્વની પૂર્ણાહુતિ જાહેર કરી હતી.
