આલેખન – રવિના બોરાધરા
(વડોદરા, તા.૧૧)
ગુજરાતના જંગલોમાં પેઢીઓથી પ્રકૃતિ સાથે જીવતા આદિવાસી અને વન આધારિત સમુદાયો માટે જંગલ માત્ર કુદરતી સંપત્તિનો સ્ત્રોત નથી, પરંતુ આજીવિકાનો પણ મહત્વપૂર્ણ આધાર છે. જંગલમાંથી એકત્રિત થતી ઔષધીય વનસ્પતિઓ અને વિવિધ વનપેદાશોને યોગ્ય બજાર અને મૂલ્યવર્ધન સાથે જોડીને ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ (GSFDCL) આ પરંપરાગત આજીવિકાને વધુ સુવ્યવસ્થિત બજાર સાથે સાંકળી રહ્યું છે.ગુજરાતના વિવિધ વન વિસ્તારોમાંથી સ્થાનિક સમુદાયો દ્વારા એકત્રિત કરવામાં આવતી વનપેદાશોનો ઉપયોગ હવે માત્ર કાચા માલ તરીકે થતો નથી, પરંતુ તેની આગળની પ્રક્રિયા દ્વારા આયુર્વેદિક દવાઓ અને આરોગ્યવર્ધક ઉત્પાદનોનું નિર્માણ કરવામાં આવે છે. આ રીતે જંગલમાં શરૂ થતી વનપેદાશોની સફર મૂલ્યવર્ધિત ઉત્પાદન બનીને બજાર અને ગ્રાહક સુધી પહોંચે છે.
નિગમ દ્વારા રાજપીપળા, ગોધરા, છોટાઉદેપુર, ડેડિયાપાડા, વાંસદા અને અંબાજી સહિતના વિસ્તારોમાંથી અંદાજે ૫૦થી ૬૦ પ્રકારની વન આધારિત કાચી સામગ્રી મેળવવામાં આવે છે. આ વનપેદાશોના સંગ્રહ અને પુરવઠા સાથે સંકળાયેલા આદિવાસી તથા વન આધારિત સમુદાયો માટે રોજગારી અને આવકની તકો ઊભી થાય છે.પેઢીઓથી જંગલો અને તેની વનપેદાશો અંગે પરંપરાગત જ્ઞાન ધરાવતા સ્થાનિક સમુદાયો દ્વારા એકત્રિત કરવામાં આવતી સામગ્રીને સુવ્યવસ્થિત ખરીદી વ્યવસ્થા મારફતે બજારમાં મળે છે. આ વ્યવસ્થા સ્થાનિક લોકોને તેમની મહેનતનું બજારમૂલ્ય મેળવવામાં મદદરૂપ બને છે અને અસંગઠિત બજાર તથા વચેટિયાઓ પરની નિર્ભરતા ઘટાડવાની દિશામાં પણ મહત્વપૂર્ણ પગલું બની રહે છે.

જંગલમાંથી એકત્રિત થયેલી વનપેદાશ જ્યારે ઉત્પાદન એકમ સુધી પહોંચે છે, ત્યારે તેની બીજી સફર શરૂ થાય છે. ઉત્પાદન એકમ ખાતે કાચા માલની સફાઈ, સૂકવણી, પીસવાની પ્રક્રિયા અને જરૂરી ફોર્મ્યુલેશન અનુસાર વિવિધ ઘટકોનું મિશ્રણ કરવામાં આવે છે. આધુનિક મશીનરી અને ઔદ્યોગિક ડ્રાયર્સની મદદથી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જરૂરી ગુણવત્તા નિયંત્રણ અને પ્રયોગશાળા પરીક્ષણ કરવામાં આવે છે અને ત્યારબાદ ઉત્પાદનોનું પેકેજિંગ કરવામાં આવે છે.નિગમના આયુર્વેદિક ઉત્પાદન એકમની મુલાકાત દરમિયાન સબ-ડિવિઝન મેનેજર શ્રી કલ્પેશ દવેએ જંગલ વિસ્તારોમાંથી કાચા માલના સંગ્રહથી લઈને તેની પ્રક્રિયા, ગુણવત્તા પરીક્ષણ, પેકેજિંગ અને ગ્રાહકો સુધી પહોંચવાની સમગ્ર પ્રક્રિયા અંગે માહિતી આપી હતી.
નિગમના ઉત્પાદન એકમ ખાતે આશરે ૪૯ પ્રકારની આયુર્વેદિક દવાઓ અને આરોગ્યવર્ધક ઉત્પાદનો તૈયાર કરવામાં આવે છે. તેમાં અશ્વગંધા, શંખપુષ્પી , ગોખરુ આધારિત ઉત્પાદનો, હરડેની ગોળીઓ, ત્રિફળા ચૂર્ણ, સર્વશાંતિ અને નવચેતના સહિતના ઉત્પાદનોનો સમાવેશ થાય છે. આ ઉત્પાદનો ગ્રાહકોને પોસાય તેવા દરે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.ઉત્પાદન પ્રક્રિયા ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસિસ (GMP)ના ધોરણો અનુસાર કરવામાં આવે છે. ઉત્પાદન એકમની અંદાજે ૩.૫ ક્વિન્ટલની ઉત્પાદન ક્ષમતા છે, જ્યારે વાર્ષિક ઉત્પાદન આશરે ૮,૦૦૦ કિલોગ્રામ નોંધાયું છે.
નિગમના લોકપ્રિય ઉત્પાદનોમાં મધનો પણ મહત્વપૂર્ણ હિસ્સો છે. કુલ વેચાણમાં મધનો હિસ્સો આશરે ૬૦ ટકા છે. વિવિધ વન વિસ્તારોમાંથી મેળવવામાં આવતા મધમાં કચ્છ વિસ્તારનો નોંધપાત્ર ફાળો છે. નિગમ દ્વારા નિર્ધારિત ગુણવત્તા ધોરણો અનુસાર મધની પ્રક્રિયા કર્યા બાદ તેનું પેકેજિંગ અને વેચાણ કરવામાં આવે છે.આયુર્વેદિક અને કુદરતી ઉત્પાદનોની માંગને ધ્યાનમાં રાખીને નિગમના વન આધારિત ઉત્પાદનો ગુજરાતભરમાં આવેલા ૧૬ વેચાણ કેન્દ્રો મારફતે ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે છે. આ સમગ્ર પ્રવૃત્તિથી નિગમને વાર્ષિક અંદાજે રૂ. ૧ કરોડનો નફો પ્રાપ્ત થાય છે.મધની એક બોટલ હોય કે ત્રિફળા ચૂર્ણનું પેકેટ, તેની પાછળ જંગલથી બજાર સુધી પહોંચતી એક સંપૂર્ણ આજીવિકા શૃંખલા કાર્યરત છે. આ શૃંખલામાં વનપેદાશો એકત્રિત કરતા સ્થાનિક લોકો, કાચા માલનો પુરવઠો, પરિવહન, પ્રક્રિયા, ગુણવત્તા ચકાસણી, પેકેજિંગ અને વેચાણ જેવા અનેક તબક્કાઓ જોડાયેલા છે.ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ દ્વારા વન આધારિત કાચા માલને સુવ્યવસ્થિત બજાર સાથે જોડવાથી એક તરફ સ્થાનિક વન અને આદિવાસી સમુદાયોને રોજગારી અને આવકની તકો મળે છે, તો બીજી તરફ કુદરતી વનસંપદાનું મૂલ્યવર્ધિત ઉત્પાદનોમાં રૂપાંતરણ શક્ય બને છે.
આ પહેલમાં પરંપરાગત જ્ઞાન, સ્થાનિક વનસંપદા અને આધુનિક ઉત્પાદન પદ્ધતિ એકસાથે જોડાય છે. ગુજરાતના જંગલોમાંથી શરૂ થતી વનપેદાશોની સફર વૈજ્ઞાનિક પ્રક્રિયા અને ગુણવત્તા નિયંત્રણ બાદ આયુર્વેદિક તથા કુદરતી ઉત્પાદનોના સ્વરૂપમાં ગ્રાહકો સુધી પહોંચે છે. આ રીતે જંગલ સાથે પેઢીઓથી જોડાયેલા સમુદાયોના જ્ઞાન અને શ્રમને બજાર સાથે જોડીને ટકાઉ આજીવિકાની નવી તકો ઊભી કરવાની દિશામાં મહત્વપૂર્ણ કામગીરી થઈ રહી છે.
સ્થાનિક સમુદાયો પાસેથી ૫૦થી વધુ પ્રકારની વન આધારિત કાચી સામગ્રીની ખરીદી:GSFDCL દ્વારા ૪૯ પ્રકારના આયુર્વેદિક ઉત્પાદનોનું ઉત્પાદન અને ગુજરાતભરમાં ૧૬ વેચાણ કેન્દ્રો મારફતે વિતરણ
************************
આદિવાસી સમુદાયોની મહેનતથી વનપેદાશો અને આયુર્વેદિક ઉત્પાદનો બને છે: રોજગાર અને આજીવિકાની સશક્ત કડી
