પંચમહાલ જિલ્લા સંકલન સમિતિ દ્વારા આજરોજ ગોધરા સ્થિત કલરવ સ્કૂલ ખાતે ‘સંગઠન પર્વ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષણજગત સાથે સંકળાયેલા વિવિધ સંગઠનોના હોદ્દેદારો, સંચાલકો, આચાર્યો અને શિક્ષકોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રના પ્રશ્નો, સંગઠનની કામગીરી તેમજ શિક્ષકો અને આચાર્યોના હિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય સંચાલક મંડળના મહામંત્રી પી. ડી. સોલંકીની અધ્યક્ષતામાં માર્ગદર્શન સત્ર યોજાયું હતું. તેમણે ઉપસ્થિત સર્વે હોદ્દેદારો, સંચાલકો, આચાર્યો અને શિક્ષકોને સંગઠનની એકતા અને શિક્ષણ ક્ષેત્રના વિવિધ પ્રશ્નોને લઈને મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના માજી પ્રમુખ, વર્તમાન અધ્યક્ષ તેમજ પૂર્વ બોર્ડ સભ્ય જે. પી. પટેલ દ્વારા વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત અને સૂક્ષ્મ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે ખાસ કરીને એસ.એમ.સી.ની રચના અંગે ચર્ચા કરતાં ગ્રાન્ટેડ શાળાઓમાં એસ.એમ.સી.ની રચના ન કરવા અંગેનો મુદ્દો રજૂ કર્યો હતો.
ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘના મહામંત્રી ભરતભાઈ ઉપાધ્યાય દ્વારા શિક્ષકોને લગતા વિવિધ પ્રશ્નોની છણાવટ કરવામાં આવી હતી. જ્યારે બોર્ડ સભ્ય વિનુભાઈ પટેલ દ્વારા સંઘ દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરી અને સંગઠનની પ્રવૃત્તિઓ અંગે માહિતી આપવામાં આવી હતી.
રાજ્યના પ્રતિનિધિ કમલેશભાઈ પ્રજાપતિએ સંગઠન સાથે જોડાવાથી થતા લાભો અને સંગઠનની શક્તિ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ રણજીતસિંહ દ્વારા જિલ્લાના આચાર્યો અને શિક્ષકોના વિવિધ રાજ્યકક્ષાના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા અને આ પ્રશ્નોને સરકાર સમક્ષ યોગ્ય રીતે રજૂ કરવા માટે જે.પી. પટેલને વિનંતી કરવામાં આવી હતી.

કાર્યક્રમના પ્રારંભે પંચમહાલ જિલ્લા આચાર્ય સંઘના મહામંત્રી રીતેશભાઈ જોષી દ્વારા ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. એચ. પી. રાઉલજી દ્વારા સુંદર માઇક એનાઉન્સમેન્ટ અને સંચાલન થકી કાર્યક્રમને વધુ અસરકારક અને સુવ્યવસ્થિત બનાવવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં જિલ્લા માધ્યમિક સંઘના પ્રમુખ પી. એસ. પરમાર, મંત્રી અશોકસિંહ સોલંકી, ઉ.મા. સંઘના પ્રમુખ વિવેક નાઈ, ઉ.મા. સંઘના મંત્રી, વહીવટી સંઘના પ્રમુખ જયેશ પુરોહિત, મંત્રી આશિષ, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પૂર્વ ઉપાધ્યક્ષ તેમજ પંચમહાલ જિલ્લા આચાર્ય સંઘના પૂર્વ પ્રમુખ પંકજ ચૌહાણ, સંચાલક મંડળના એન. એમ. પટેલ, નટવરસિંહજી સીમલિયા, રાજ્ય સંઘના હોદ્દેદાર કમલેશ પટેલ, જીતાશુ પટેલ, અરવિંદભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા માટે મુકેશરાજ સોલંકી, ધર્મેશ બારીઆ સહિતના આગેવાનોએ મીડિયા અને અન્ય વ્યવસ્થાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ઉપરાંત મોટી સંખ્યામાં સંચાલકો, આચાર્યો અને શિક્ષકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
અંતમાં કાર્યક્રમ માટે ગોધરા સ્થિત કલરવ સ્કૂલ દ્વારા બિલ્ડિંગ અને સ્થળની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા બદલ સંસ્થાના ટ્રસ્ટી મંડળનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમમાં શિક્ષણજગતના વિવિધ પ્રશ્નો, સંગઠનની એકતા અને શિક્ષકો-આચાર્યોના હિતોને પ્રાધાન્ય આપવા અંગે ભાર મૂકવામાં આવ્યો હતો.
