પંચમહાલ જિલ્લામાં ગણેશોત્સવને લઈને ગણેશ મંડળોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ગણેશજીની પ્રતિમાના ભવ્ય આગમનને યાદગાર બનાવવા માટે મંડળો દ્વારા ડીજે, ફાયરફ્લાવર શો સહિતની વિવિધ તૈયારીઓ કરવામાં આવી હતી. જોકે, શનિવારે અચાનક વરસેલા વરસાદે ગણેશ આગમન યાત્રાના રંગમાં ભંગ પાડી દીધો હતો.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા, હાલોલ અને કાલોલ સહિતના તાલુકાઓમાં અચાનક વરસાદ શરૂ થતાં ગણેશ મંડળોના ઉત્સાહ પર પાણી ફરી વળ્યું હતું. આગમન યાત્રા દરમિયાન વરસાદ પડતા મોંઘાભાવના ડીજે અને ફાયરફ્લાવર શો યોજવાનું શક્ય બન્યું નહોતું.
બીજી તરફ, ગણેશજીની મોટી પ્રતિમાઓને વરસાદથી બચાવવા માટે ગણેશ મંડળોના કાર્યકરોએ ખાસ કાળજી લીધી હતી. પ્રતિમાને તાડપત્રીથી ઢાંકી વરસાદથી બચાવતાં સુરક્ષિત રીતે સ્થાપના સ્થળે લઈ જવામાં આવી હતી.
હાલોલથી હાલોલ તાલુકાના અરાદ ગામે મોટા કદની ગણેશજીની પ્રતિમા લઈ જવામાં આવી રહી હતી, તે દરમિયાન અચાનક વરસાદ શરૂ થતાં આગમન યાત્રામાં વિક્ષેપ સર્જાયો હતો. ગણેશજીની પ્રતિમાને વરસાદથી કોઈ નુકસાન ન થાય તે માટે તાડપત્રીથી ઢાંકી દેવામાં આવી હતી અને ભારે કાળજીપૂર્વક પ્રતિમાને અરાદ ગામે પહોંચાડવામાં આવી હતી.

ગણેશ આગમનને ભવ્ય અને યાદગાર બનાવવાની તૈયારીમાં રહેલા મંડળોએ વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શનિવારે રાખેલી સ્થાપના હવે રવિવારે કરવાની ફરજ પડી હતી.
વરસાદે ભલે ગણેશ મંડળોના આયોજનમાં વિઘ્ન ઊભું કર્યું હોય, પરંતુ ગણેશ ભક્તોના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહોતો. ગણેશજીની પ્રતિમાને સલામત રીતે સ્થાપના સ્થળે પહોંચાડવા માટે કાર્યકરો વરસાદ વચ્ચે પણ ખડેપગે રહ્યા હતા.
* મોંઘાભાવના ડીજે અને ફાયરફ્લાવર શો રદ કરવા પડ્યા, ગણેશજીની પ્રતિમાને તાડપત્રી ઓઢાડી સલામત સ્થળે લઈ જવાઈ
