કાલોલ ખાતે શ્રી વિનાયક ગ્રુપ દ્વારા આયોજિત “કાલોલના રાજા” શ્રી ગણેશજીના ભવ્ય આગમન પ્રસંગે ભક્તિમય માહોલ સર્જાયો હતો. ગણેશજીના ભવ્ય આગમનને નિહાળવા મોટી સંખ્યામાં ગણેશભક્તો ઉમટી પડ્યા હતા.
આ ભવ્ય આગમન પ્રસંગે પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદે સૌપ્રથમ શ્રી ગણેશજીના દર્શન કરી વિધિવત આરતી ઉતારી હતી અને બાપ્પાના આશીર્વાદ મેળવ્યા હતા.

આ પ્રસંગે સાંસદ રાજપાલસિંહ જાદવ પોતે ગણેશજીના રથની ડ્રાઇવિંગ સીટ પર બેસ્યા હતા અને બાપ્પાના રથને ચલાવી ભવ્ય આગમનમાં જોડાયા હતા. સાંસદની આ ખાસ ઉપસ્થિતિથી ગણેશભક્તોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.
દરમિયાન “ગણપતિ બાપ્પા મોરિયા”ના જયઘોષથી સમગ્ર કાલોલ શહેરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ ઢોલ-નગારાના તાલે અને ભક્તિમય વાતાવરણ વચ્ચે બાપ્પાનું સ્વાગત કર્યું હતું.
સાંસદ રાજપાલસિંહ જાદવે વિઘ્નહર્તા શ્રી ગણેશજી સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા લાવે તેમજ સૌના મનોરથ પૂર્ણ કરે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી.
ગણપતિ બાપ્પા મોરિયા…
મંગલમૂર્તિ મોરિયા…
