* ચામુંડા ફાર્મ નજીક અકસ્માતમાં બાકરોલના યુવકનું ઘટનાસ્થળે મોત, અન્ય યુવક ગંભીર
સાવલી તાલુકામાં સાવલી-ઉદલપુર રોડ પર ચામુંડા ફાર્મ નજીક બે મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
મળતી માહિતી મુજબ, સાવલી-ઉદલપુર રોડ પર ચામુંડા ફાર્મ નજીક બે મોટરસાયકલ વચ્ચે અચાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે એક યુવકને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

અકસ્મતમાં મૃત્યુ પામનાર યુવકની ઓળખ સુરજીતસિંહ લાલસિંહ ગોહિલ, રહે. બાકરોલ તરીકે થઈ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અકસ્માતમાં અન્ય એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
અકસ્મતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે સાવલીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક સારવાર બાદ તેની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો.
બીજી તરફ અકસ્માતની જાણ થતાં સાવલી પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી અકસ્માત અંગેની કાર્યવાહી હાથ ધરી હતી. બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

