ઉમરેઠ: સરકાર દ્વારા દિવ્યાંગજનોના કલ્યાણ અને સશક્તિકરણ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. ત્યારે ઉમરેઠ તાલુકાના પણસોરા ગામમાં એક દિવ્યાંગ દંપતી સાથે ગ્રામ પંચાયત કચેરી ખાતે કથિત અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ, પણસોરા ગામના રહીશ સબીરભાઈ બેલીમ તથા તેમના ધર્મપત્ની અને તેમનો દિવ્યાંગ બાળક આવકનો દાખલો મેળવવા માટે ગ્રામ પંચાયત કચેરી ખાતે ગયા હતા. તે સમયે ગામના સરપંચ પણ પંચાયત કચેરીમાં હાજર હતા. અરજદારો દ્વારા આવકના દાખલા અંગે રજૂઆત કરવામાં આવતા તેમની સાથે કથિત રીતે અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અરજદારોના જણાવ્યા મુજબ, તેમને ગ્રામ પંચાયત કચેરીમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા.
આ ઘટનાને પગલે અરજદારે ઉમરેઠ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી (TDO) સમક્ષ સમગ્ર ઘટનાની જાણ કરી હતી. સરપંચ વિરુદ્ધ લેખિત તેમજ મૌખિક રજૂઆત કરીને સમગ્ર મામલે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

સરકાર એક તરફ દિવ્યાંગજનોને સરકારી યોજનાઓ અને જરૂરી પ્રમાણપત્રો સરળતાથી મળી રહે તે માટે વિવિધ વ્યવસ્થાઓ ઉભી કરે છે, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં જ અરજદારને કથિત રીતે અપમાનિત થવું પડે તેવા આક્ષેપોએ અનેક સવાલો ઊભા કર્યા છે.
પાંચ વર્ષ માટે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પ્રજાની સેવા માટે ચૂંટાય છે કે પછી સત્તાના નશામાં મનમાની કરવા માટે? તેવો સવાલ પણ સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
હવે સમગ્ર મામલે ઉમરેઠ તાલુકા વિકાસ અધિકારી દ્વારા કેવી તપાસ હાથ ધરવામાં આવે છે અને જો આક્ષેપોમાં તથ્ય જણાશે તો સંબંધિત સરપંચ સામે કોઈ શિક્ષાત્મક કે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં, તેના પર સૌની નજર મંડાઈ છે.
