સાવલી તાલુકાના ધનતેજ ગામે શિક્ષણ અને સેવાના સમન્વય સમાન એક પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાતી સાહિત્ય જગતના શિરમોર અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત સ્વ. ખલીલ ધનતેજવીની સ્મૃતિમાં ચાલુ વર્ષે પણ ગામની વિવિધ શાળાઓમાં ભણતા તમામ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક અને ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પદ્મશ્રી સ્વ. ખલીલ ધનતેજવી પોતાના જીવનકાળ દરમિયાન છેલ્લા ૧૪ વર્ષથી ધનતેજ ગામની પ્રાથમિક શાળામાં બાલવાડીથી લઈને ધોરણ ૧૦ સુધી અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને વિષય પ્રમાણે નોટબુક અને ફૂલસ્કેપ ચોપડાની મફત સેવા આપતા હતા. તેમના અવસાન બાદ પણ આ શૈક્ષણિક સેવાયજ્ઞ અટક્યો નથી. પિતાના આ ઉમદા વારસા અને પરંપરાને તેમના મોટા દીકરા હનીફ મકરાણીએ પૂરા આદર સાથે ચાલુ રાખી છે.

ચાલુ શૈક્ષણિક વર્ષે પણ હનીફ મકરાણી દ્વારા ઊંચ-નીચ કે નાત-જાતના કોઈ પણ ભેદભાવ વગર ધનતેજ ગામની બાલવાડી, ધનતેજ પ્રાથમિક શાળા તેમજ ગવર્મેન્ટ સેકન્ડરી સ્કૂલના દરેક વિદ્યાર્થીને જરુરીયાત મુજબના ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગામના અગ્રણીઓ અને આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ વિતરણ કાર્યક્રમ દ્વારા પદ્મશ્રી સ્વ. ખલીલ ધનતેજવીને સાચી ‘વિદ્યારૂપી શ્રદ્ધાંજલિ’ અર્પણ કરવામાં આવી હતી. શાળા પરિવાર અને ગ્રામજનોએ મકરાણી પરિવારની આ અવિરત સેવાભાવનાને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.

* વારસાને જીવંત રાખતા પુત્ર હનીફ મકરાણી: ભેદભાવ વગર તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી અનોખી વિદ્યાંજલિ અર્પી
