ડેસર તાલુકાના વડીયા ગામના ફરિયાદી પાસેથી માત્ર રૂ.1 લાખ ચૂકવી રૂ.16 લાખથી વધુની બેંક લોન ધરાવતી કોમર્શિયલ ટ્રક તેમજ અસલ આરસી બુક મેળવી લીધા બાદ લોનના એકપણ હપ્તા નહીં ભરવાના મામલે નામદાર ડેસર કોર્ટે ડેસર પોલીસને ભારતીય દંડ સંહિતાની કલમ 420 મુજબ FIR નોંધવાનો હુકમ કર્યો છે.
મળતી માહિતી મુજબ વડીયા ગામના પરમાર જયદીપકુમાર ફતેસિંહ પાસે ટાટા મોટર્સ કંપનીનું 1212 LPT મોડલનું ટ્રક નંબર GJ-06-BT-4703 હતું. આ વાહન મહિન્દ્રા કોટક ફાઇનાન્સ બેંકમાંથી લોન પર લેવામાં આવ્યું હતું. ધંધામાં આર્થિક નુકસાન થતાં ફરિયાદીએ વાહન વેચવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન દલાલ લાલભાઈ મારફતે આરોપી અભયકુમાર અશોકકુમાર શ્રીવાસ્તવ સાથે સંપર્ક થયો હતો. તા. 4 જાન્યુઆરી, 2023ના રોજ ડેસર ખાતે બંને વચ્ચે નોટરાઇઝ્ડ વેચાણ કરાર કરવામાં આવ્યો હતો. કરાર મુજબ આરોપીએ ફરિયાદીને રોકડા રૂ.1 લાખ ચૂકવી ટ્રકનો કબજો તેમજ અસલ આરસી બુક મેળવી હતી. જ્યારે વાહન પર બાકી રહેલી આશરે રૂ.16 લાખની બેંક લોનના તમામ હપ્તા વ્યાજ સહિત નિયમિત ભરવાની લેખિત બાંહેધરી આરોપીએ આપી હતી. જોકે, વાહન અને દસ્તાવેજોનો કબજો મેળવ્યા બાદ આરોપીએ ફાઇનાન્સ કંપનીમાં એકપણ હપ્તો ભર્યો ન હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદી દ્વારા આરોપીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવતા શરૂઆતમાં ખોટા આશ્વાસનો આપવામાં આવ્યા હતા. ત્યારબાદ આરોપીએ બંને મોબાઇલ ફોન બંધ કરી દીધા હતા અને પોતાના રહેઠાણના સરનામેથી પણ નાસી ગયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. લોનના હપ્તા નહીં ભરાતા ફાઇનાન્સ કંપની દ્વારા ફરિયાદી વિરુદ્ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ ફોજદારી કેસો પણ કરવામાં આવ્યા હોવાનું કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર મામલે ફરિયાદીએ ડેસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હતી. જોકે, ડેસર પોલીસે FIR નોંધ ન કરતા ફરિયાદીએ પોતાના વકીલ એન.જી. ખાનજાદા મારફતે નામદાર કોર્ટમાં અરજી કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધવા પોલીસને હુકમ કરવાની દાદ માંગી હતી. કોર્ટ સમક્ષ રજૂ થયેલા પુરાવા, પોલીસ રિપોર્ટ તથા વકીલ એન.જી. ખાનજાદાની દલીલોને ધ્યાનમાં લીધા બાદ નામદાર કોર્ટે મહત્વપૂર્ણ નોંધ કરી હતી કે સામાન્ય સંજોગોમાં કરાર મુજબ નાણાંની ચુકવણી નહીં કરવી તે દીવાની સ્વરૂપનો તકરાર એટલે કે કરારનો ભંગ ગણાઈ શકે છે. પરંતુ જો શરૂઆતથી જ છેતરપિંડી કરવાનો બદદાનતભર્યો ઇરાદો જણાઈ આવે તો તે ફોજદારી ગુનો બની શકે છે.
કોર્ટના અવલોકન મુજબ હાલના કેસમાં આરોપીએ માત્ર રૂ.1 લાખ ચૂકવી રૂ.16 લાખથી વધુનું દેવું ધરાવતી ભારે કોમર્શિયલ ટ્રક અને અસલ આરસી બુક મેળવી લીધા બાદ એકપણ હપ્તો ભર્યો ન હતો. ત્યારબાદ ખોટું સરનામું દર્શાવી વાહન સહિત ફરાર થઈ જવાનો આક્ષેપ છે. આ સંજોગોમાં પ્રથમદર્શનીય રીતે ભારતીય દંડ સંહિતાની કલમ 420 હેઠળ છેતરપિંડીના તત્વો જણાઈ આવતા હોવાનું કોર્ટે નોંધ્યું હતું. સાથે જ સુપ્રીમ કોર્ટના લલિતા કુમારી વિ. સ્ટેટ ઓફ યુ.પી. (2014) ના ચુકાદાનો ઉલ્લેખ કરી કોર્ટએ નોંધ્યું હતું કે કોગ્નિઝેબલ ગુનાની હકીકત જણાઈ આવે ત્યારે ગુનો નોંધવો જરૂરી બને છે.
કોર્ટએ હાલના કેસમાં ગુમ થયેલા વાહનની રિકવરી તેમજ આરોપીનું મૂળ સરનામું શોધવા માટે પોલીસ દ્વારા ટેકનિકલ તપાસની જરૂરિયાત હોવાનું પણ ધ્યાનમાં લીધું હતું. આ તમામ હકીકતો અને સંજોગોને ધ્યાને લઈ તા. 11 સપ્ટેમ્બર, 2026ના રોજ નામદાર ડેસર કોર્ટે ફરિયાદીની અરજી મંજૂર કરી ડેસર પોલીસને FIR નોંધવાનો હુકમ કર્યો છે. ડેસર કોર્ટના આ હુકમને પગલે હવે ડેસર પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. કોર્ટના આ મહત્વના હુકમથી કરાર અને નાણાકીય વ્યવહારના નામે કથિત રીતે છેતરપિંડી કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહીનો માર્ગ ખુલ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
