( પ્રતિનિધિ ગોકુળ પંચાલ)
ઘોઘંબા તાલુકાના પરોલી ગામે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા
ઘોઘંબા તાલુકાના પરોલી ગામની પ્રાથમિક શાળામાં પાવાગઢના જૈન મુનિ પ્રિયંકર મહારાજ સાહેબ તથા બાલમુનિ મહારાજ સાહેબની ઉપસ્થિતિમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પરોલી પ્રાથમિક શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપરાંત શ્રી લક્ષ્મીનારાયણ સાર્વજનિક હાઈસ્કૂલના સ્ટાફ તથા વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પાવાગઢના જૈન મુનિ પ્રિયંકર મહારાજ સાહેબના સહયોગથી વિદ્યાર્થીઓને લંચ બોક્સ, પેન્સિલ સહિતની શૈક્ષણિક અને ઉપયોગી વસ્તુઓનું વિતરણ કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત લોકોને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શાળા ખાતેના કાર્યક્રમ બાદ પરોલી ગ્રામ પંચાયતના પટાંગણમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પરોલી ગ્રામ પંચાયતના સરપંચ, સભ્યો, શાળાના સ્ટાફ-વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જોડાયા હતા.
