પંચમહાલ પેરોલ ફર્લો સ્ક્વોડની કાર્યવાહી : દામાવાવ અપહરણ અને પોક્સો કેસમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો
પંચમહાલ પેરોલ ફર્લો સ્ક્વોડે ઘોઘંબા તાલુકાના દામાવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ તથા પોક્સો એક્ટના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. ચોક્કસ બાતમીના આધારે સ્ક્વોડે સેવાલિયા ચેકપોસ્ટ પર વોચ ગોઠવી આરોપી કમલેશ ઉર્ફે કમો પર્વતભાઈ પટેલને ઝડપી લીધો હતો.
મળતી માહિતી મુજબ, આરોપી કમલેશ પટેલ દામાવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને પોક્સો એક્ટના ગુનામાં ફરાર હતો. ઉપરાંત દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં પણ તે નાસતો ફરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.
દરમિયાન પોલીસને મળેલી બાતમી મુજબ આરોપી ભોગ બનનારને વિરમગામ ખાતે મૂકી આવ્યો હતો. આરોપીએ પોતાની બહેન મીનાબેનના દસ્તાવેજોનો ઉપયોગ કરીને ભોગ બનનારને સાણંદ ખાતેના ટાટા નેનો પ્લાન્ટ સ્થિત ભવાની કંપનીમાં નોકરી અપાવી હોવાની માહિતી મળી હતી. આરોપી અવારનવાર ભોગ બનનારને મળવા વિરમગામ જતો હોવાની પણ માહિતી પોલીસને મળી હતી.
આ સમગ્ર મામલે પંચમહાલ પેરોલ ફર્લો સ્ક્વોડના એએસઆઈ હાર્દિકકુમાર કાનાભાઈ ચંદ્રસિંહને હ્યુમન સોર્સીસ તથા ટેકનિકલ એનાલિસિસના આધારે ચોક્કસ માહિતી મળી હતી કે આરોપી ભોગ બનનારને મળવા જઈ રહ્યો છે. જેના પગલે સ્ક્વોડે સેવાલિયા ચેકપોસ્ટ ખાતે વોચ ગોઠવી હતી. ગોધરા તરફથી આવી રહેલા આરોપી કમલેશ ઉર્ફે કમો પર્વતભાઈ પટેલને પોલીસે ઝડપી પાડ્યો હતો.
આરોપીની ધરપકડ બાદ પોલીસની કાર્યવાહી દરમિયાન સાણંદ ટાટા નેનો પ્લાન્ટમાંથી ભોગ બનનાર પણ મળી આવી હતી. ત્યારબાદ આરોપી તેમજ ભોગ બનનારને વધુ કાયદેસરની કાર્યવાહી માટે દામાવાવ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા.
પંચમહાલ પેરોલ ફર્લો સ્ક્વોડની સતર્કતા અને ટેકનિકલ એનાલિસિસના આધારે લાંબા સમયથી ફરાર આરોપી પોલીસની પકડમાં આવતા દામાવાવ અપહરણ-પોક્સો કેસમાં મહત્વની કડી હાથ લાગી છે.
