કાજર બારીયા (છોટાઉદેપુર, તા.૧૪)
છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં છેલ્લા દોઢ મહિનાથી વધુ સમયથી મહેસુલી અને રેવન્યુ તલાટીઓ પોતાના પડતર પ્રશ્નો તથા વધારાના કામના ભારણને લઈને આંદોલન અને હડતાલ પર ઉતરેલા છે. આ હડતાલના કારણે તાલુકાના હજારો નાગરિકો, વાલીઓ અને વિદ્યાર્થીઓના અગત્યના સરકારી કાર્યો સંપૂર્ણપણે ઠપ થઈ ગયા છે, જેને લઈને પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ ગંભીર પરિસ્થિતિ અંગે પાવી જેતપુર તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા વિષ્ણુભાઈ રાઠવા દ્વારા વહીવટી તંત્ર અને રાજ્ય સરકારને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે, તલાટીઓ દ્વારા પેઢીનામાં, સહાયની અરજીઓ તથા જમીનમાં વારસાઈ દાખલાઓ વગેરે સમયસર તૈયાર કરી આપવામાં આવતા નથી. જેના લીધે અનેક યુવાનો અને સરકારી નોકરી મેળવી ચૂકેલા કર્મચારીઓને વિશ્લેષણ (ખરાઇ) સમિતિ સમક્ષ પેઢીનામું રજૂ ન થવાને કારણે તેમની નોકરી જોખમમાં મુકાઈ ગઈ છે. આ ઉપરાંત હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ અંધકારમય બનવાની દહેશત ઊભી થઈ છે.
વિરોધ પક્ષના નેતા વિષ્ણુભાઈ રાઠવાએ સ્થાનિક સત્તાધારીઓ, પદાધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્રને સાફ શબ્દોમાં ચીમકી આપી છે કે, જો આગામી એક અઠવાડિયાની અંદર આ પ્રશ્નનું સત્વરે નિરાકરણ લાવીને વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં નહીં આવે, તો આગામી ૨૩ ઓગસ્ટ ૨૦૨૬થી તાલુકાની દરેક ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત કચેરીઓ પર તાળાબંધી કરવામાં આવશે.
સામાન્ય પ્રજા, ખેડૂતો અને વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં તલાટી હડતાલનો કોઈ સુખદ અને વહેલો નિકાલ આવે તથા પ્રજાને પડતી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે તેવી લોક માંગ ઉઠી છે. જો વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં જનઆંદોલન ઉગ્ર બનશે તેમ વિષ્ણુભાઈ રાઠવાએ જણાવ્યું હતું.
