રાજકીય ભેદભાવ ભૂલી આદિવાસી સમાજ એક મંચ પર : બે કિલોમીટર લાંબી રેલીમાં હજારોની જનમેદની, ‘એક તીર-એક કમાન, આદિવાસી સમાજ એક સમાન’નો ગુંજ્યો નાદ
ઘોઘંબા તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આ વખતે અભૂતપૂર્વ ઉત્સાહ અને એકતાના માહોલ વચ્ચે કરવામાં આવી હતી. આદિવાસી યુવા સંઘર્ષ સમિતિના નેજા હેઠળ યોજાયેલી બિનરાજકીય ઉજવણીમાં અગાઉની સરખામણીએ બમણી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડતાં ઘોઘંબા તાલુકો જાણે આદિવાસી એકતાના રંગે રંગાઈ ગયો હતો. રાજકીય કે સામાજિક પક્ષાપક્ષીના ભેદભાવને બાજુ પર મૂકી સમાજના નાના-મોટા, યુવાનો, મહિલાઓ, બાળકો તેમજ સાધુ-સંતો એક જ મંચ પર એકત્ર થયા હતા.

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત રાજગઢ ખાતે યોજાયેલી વિશાળ જનસભા માં લોકોનો જાણે મહાકુંભ ભરાયો હોય તેવો માહોલ સર્જાયો હતો. ‘એક તીર-એક કમાન, આદિવાસી સમાજ એક સમાન’ના સૂત્ર સાથે યોજાયેલી આ ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો જોડાતા રેલી જ્યાંથી પસાર થઈ ત્યાં લોકોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી હતી.
રાજગઢ પાલ્લાથી શરૂ થયેલી વિશ્વ આદિવાસી દિવસની રેલી આશરે બે કિલોમીટર જેટલી લાંબી હતી. રેલીમાં લોકોની સંખ્યા એટલી મોટી હતી કે રસ્તા ઉપર દૂર સુધી માત્ર લોકોના માથાં અને પરંપરાગત પાઘડીઓ જ નજરે પડતી હતી. રેલીના માર્ગમાં આવેલા મકાનો અને દુકાનો ઉપર ચઢીને પણ લોકોએ આ વિશાળ જનમેદનીને નિહાળી હતી.

આદિવાસી સમાજના લોકો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને રેલીમાં જોડાયા હતા. યુવાનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યારે મહિલાઓ અને બાળકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પરંપરાગત વસ્ત્રો અને આદિવાસી સંસ્કૃતિની ઝલક વચ્ચે રેલીમાં જાણે લોકસંસ્કૃતિનું જીવંત દર્શન સર્જાયું હતું.
રેલી દરમિયાન આદિવાસી સમાજની પરંપરાગત સંસ્કૃતિ અને લોકકળાનું પણ સુંદર પ્રદર્શન જોવા મળ્યું હતું. ઢોલ-નગારાના તાલ અને ટીમલીના સંગીત સાથે યુવાનો તથા સમાજના લોકો મન મૂકીને ઝૂમ્યા હતા. પોતાની મસ્તીમાં મસ્ત થઈને પરંપરાગત નૃત્ય કરતાં લોકોના ઉત્સાહથી સમગ્ર વાતાવરણમાં ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો.
આ કાર્યક્રમની સૌથી વિશેષ બાબત એ રહી કે આયોજકો દ્વારા તેને સંપૂર્ણપણે બિનરાજકીય રાખવામાં આવ્યો હતો. રાજકીય વિચારધારા અને પક્ષીય મતભેદોને ભૂલી સમાજના વિવિધ વર્ગના લોકો એકસાથે જોડાયા હતા. આ કારણે આ વખતની ઉજવણી માત્ર તહેવાર પૂરતી સીમિત ન રહેતા આદિવાસી સમાજની એકતા અને સંગઠિત શક્તિનું પણ પ્રતીક બની હતી.

રેલી અગાઉ રાજગઢ ખાતે વિશાળ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાસભામાં આદિવાસી સમાજના અધિકારો અને હક્કો ઉપરાંત શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને આદિવાસી વિસ્તારોના વિકાસ સહિતના વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આદિવાસી સમાજના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે, ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્યની સુવિધાઓ વધુ મજબૂત બને તથા સમાજના યુવાનોને રોજગાર અને સ્વરોજગારની વધુ તકો મળે તે દિશામાં સમાજે સંગઠિત થઈને આગળ વધવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો.

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત હોવા છતાં સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. કોઈપણ પ્રકારના વાદ-વિવાદ કે અનિચ્છનીય બનાવ વિના લોકો ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં જોડાયા હતા. રેલીમાં નાના બાળકો, યુવાનો, મહિલાઓ તેમજ સાધુ-સંતોએ પણ પરંપરાગત વસ્ત્રોમાં ભાગ લીધો હતો. આ દૃશ્યે આદિવાસી સમાજની સાંસ્કૃતિક વિવિધતા અને એકતાને ઉજાગર કરી હતી.
આ વિશાળ રેલીનું સમાપન ઘોઘંબા ખાતે આવેલા બિરસા મુંડા સર્કલ પાસે કરવામાં આવ્યું હતું. અહીં આદિવાસી સમાજના ભામાશા તરીકે ઓળખાતા ડૉ. જયરામ રાઠવા દ્વારા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને હાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ સાથે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણીનું સમાપન થયું હતું. હજારોની જનમેદની, પરંપરાગત સંસ્કૃતિની ઝલક, ટીમલીના તાલે થિરકતા લોકો અને રાજકીય ભેદભાવથી પર રહી યોજાયેલી આ ઉજવણીને લઈને આદિવાસી સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
