પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ગ્રામ પંચાયતોના વહીવટથી લઈને વિકાસકામો સુધી કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી અને ખર્ચ થતો હોવા વચ્ચે વર્ષોથી એક જ તાલુકામાં ફરજ બજાવતા તલાટીઓનો મુદ્દો હવે ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. એક જ તાલુકામાં લાંબા સમયથી ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓની કામગીરી, બદલીનો ઇતિહાસ અને તેમના કાર્યકાળ દરમિયાન થયેલા નાણાકીય વ્યવહારોની તપાસ કરવામાં આવે તેવી માંગ ગ્રામ્ય વિસ્તારોમાંથી ઉઠી રહી છે.
સરકારી કર્મચારી લાંબા સમય સુધી એક જ સ્થળે ફરજ બજાવે ત્યારે સ્થાનિક વહીવટમાં તેની ભૂમિકા મહત્વપૂર્ણ બની જાય છે. ખાસ કરીને ગ્રામ પંચાયતોમાં તલાટી-કમ-મંત્રીની જવાબદારીમાં ઠરાવો, પંચાયતના દસ્તાવેજો, વિવિધ યોજનાઓના રેકોર્ડ, ગ્રાન્ટ સંબંધિત કાર્યવાહી સહિત અનેક વહીવટી કામગીરી આવતી હોવાથી વર્ષોથી એક જ સ્થળે રહેલા કર્મચારીઓની કામગીરીનું સમયાંતરે મૂલ્યાંકન થવું જરૂરી હોવાનું ગ્રામજનો માની રહ્યા છે.
જો કોઈ તલાટી ૧૦, ૧૫ કે ૨૦ વર્ષથી એક જ તાલુકામાં ફરજ બજાવતો હોય તો તેની બદલી કેમ થઈ નથી? કયા નિયમો હેઠળ તે જ જગ્યાએ ફરજ ચાલુ રહી? તેની વહીવટી કામગીરીની સમયાંતરે ચકાસણી થઈ છે કે નહીં? આવા સવાલો હવે ઉઠી રહ્યા છે.
ગ્રામ પંચાયતોમાં નાણાકીય ગેરરીતિની ફરિયાદો સામે સરપંચો અને અન્ય જવાબદાર વ્યક્તિઓની તપાસ કરવામાં આવતી હોય છે. ત્યારે પંચાયતના વહીવટી કામકાજમાં મહત્વની ભૂમિકા ભજવતા કર્મચારીઓની કામગીરીની પણ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ કે નહીં, તેવો સવાલ ગ્રામજનો કરી રહ્યા છે. સરપંચોની જવાબદારી નક્કી થાય તો તલાટીઓની વહીવટી જવાબદારીની પણ ચકાસણી થવી જોઈએ.
પંચાયત વિસ્તારમાં રસ્તા, ગટર, પાણી, આવાસ, સ્વચ્છતા, સ્ટ્રીટલાઇટ સહિત વિવિધ વિકાસકામો માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આવા કામોમાં મંજૂરીથી લઈને બિલ ચૂકવણી અને રેકોર્ડ જાળવણી સુધીની સમગ્ર પ્રક્રિયાની નિયમિત ચકાસણી થવી જરૂરી છે.
વર્ષોથી એક જ તાલુકામાં ફરજ બજાવતા કર્મચારીઓના કાર્યકાળ દરમિયાન થયેલા પંચાયતના હિસાબો, વિકાસકામોના બિલો, ઠરાવો, ગ્રાન્ટનો ઉપયોગ, ટેન્ડર પ્રક્રિયા, ચુકવણીઓ તથા સંબંધિત સરકારી રેકોર્ડની તટસ્થ તપાસ કરવામાં આવે તો વહીવટમાં પારદર્શિતા અંગેની સ્થિતિ સ્પષ્ટ થઈ શકે, તેવી માંગ ઉઠી છે.
બદલીના રેકોર્ડથી લઈને નાણાકીય વ્યવહારો સુધી તપાસની માંગ
લાંબા સમયથી એક જ તાલુકામાં ફરજ બજાવતા તલાટીઓના નિયુક્તિ અને બદલીના રેકોર્ડ, કાર્યકાળ દરમિયાન સંભાળેલી ગ્રામ પંચાયતો, પંચાયતના હિસાબો, વિકાસકામોના દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારોની ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે તેવી માંગ હવે તેજ બની રહી છે.
આ તપાસ કોઈ વ્યક્તિને નિશાન બનાવવા માટે નહીં પરંતુ સરકારી તંત્રમાં પારદર્શિતા જળવાઈ રહે અને જાહેર નાણાંનો યોગ્ય ઉપયોગ થાય તે હેતુથી થવી જોઈએ તેવી પણ ચર્ચા છે.
પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વર્ષોથી એક જ સ્થળે ફરજ બજાવતા કર્મચારીઓ અંગે જો ખરેખર નિયમસર તમામ બાબતો સ્પષ્ટ હોય તો તપાસ બાદ તે પણ જાહેર થઈ શકે છે. પરંતુ જો કોઈ ગેરરીતિ બહાર આવે તો જવાબદારી પણ નક્કી થઈ શકે.
હવે મુખ્ય સવાલ એ છે કે વર્ષોથી એક જ તાલુકામાં ફરજ બજાવતા તલાટીઓના કાર્યકાળ અને તેમની કામગીરીનું નિષ્પક્ષ ઓડિટ ક્યારે થશે?
પંચાયતના પૈસાનો હિસાબ માંગવામાં આવે છે, તો વર્ષોથી પંચાયતનો વહીવટ સંભાળનારાઓની જવાબદારીનો હિસાબ પણ માંગવો જરૂરી છે. ગ્રામજનોની નજર હવે જિલ્લા વહીવટી તંત્ર અને સંબંધિત વિભાગ દ્વારા થનારી કાર્યવાહી પર મંડાઈ છે.
* ૧૦, ૧૫ કે ૨૦ વર્ષથી એક જ તાલુકામાં ફરજ… બદલીના નિયમો સામે સવાલો, પંચાયતોના વહીવટ અને વિકાસકામોના હિસાબનું ઓડિટ જરૂરી
