વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે પંચમહાલ કિસાન મોરચા દ્વારા ભીલોડ ગામે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. પંચમહાલ કિસાન મોરચાના જયપાલસિંહ રાઠોડની આગેવાની હેઠળ વડાપ્રધાનના દીર્ઘાયુ અને સારા સ્વાસ્થ્ય માટે ‘આશીર્વાદનો દીવો’ પ્રગટાવવામાં આવ્યો હતો.
જન્મદિનની ઉજવણીના ભાગરૂપે ભીલોડ ગામમાં મોટી સંખ્યામાં દીવડાઓ પ્રગટાવી સમગ્ર વિસ્તારને રોશનીથી ઝળહળતો કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામની દીવડાઓથી ભવ્ય રંગોળી પણ બનાવવામાં આવી હતી, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

વડાપ્રધાનના દીર્ઘાયુ આયુષ્ય માટે ગામમાં સમૂહ પ્રાર્થનાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનો અને કાર્યકરોએ એકત્ર થઈ વડાપ્રધાનને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.
દીવડાઓની રોશની, રંગોળી અને સમૂહ પ્રાર્થનાથી ભીલોડ ગામનો માહોલ ઉત્સવમય બની ગયો હતો. સમગ્ર ગામ જાણે દિવાળીના પર્વની જેમ ઝગમગી ઊઠ્યું હોય તેવું દૃશ્ય સર્જાયું હતું.
જયપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનને નિમિત્ત બનાવી ગામમાં દીવડાઓ પ્રગટાવી તેમના દીર્ઘાયુ અને દેશની સતત પ્રગતિ માટે પ્રાર્થના કરવામાં આવી છે.
* કિસાન મોરચાના જયપાલસિંહ રાઠોડે પ્રગટાવ્યો ‘આશીર્વાદનો દીવો’, ગામમાં સમૂહ પ્રાર્થના સાથે ઉજવણી
* દીવડાઓથી ‘મોદી’ નામની ભવ્ય રંગોળી રચાઈ; ભીલોડમાં જાણે દિવાળીના પર્વ જેવો માહોલ

