સરકાર દ્વારા ગામડાઓમાં સ્વચ્છતા જળવાઈ રહે અને લોકોને સ્વચ્છ તથા રોગમુક્ત વાતાવરણ મળી રહે તે માટે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વિવિધ યોજનાઓ અને ગ્રાન્ટ દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. પરંતુ ઘોઘંબા તાલુકાના ચેલાવાડા ગામમાં સ્વચ્છતા અભિયાનની સ્થિતિ જોતા જાણે ‘સ્વચ્છ ભારત’ના સૂત્રો માત્ર કાગળ પર જ રહી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.
ચેલાવાડા ગામમાં પ્રાથમિક શાળા પાસે આવેલા પાણીના સંપની આસપાસ કચરાના ઢગલા ખડકાયેલા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં, પાણી ભરેલા સંપમાં પણ ગંદકી જોવા મળી રહી છે. સંપ આસપાસના ગંદા પાણી અને કચરામાં દેડકાના અવાજો સંભળાતા હોવાની પણ સ્થાનિકોમાં ચર્ચા છે.

શાળા તથા નંદઘરની સામે આવેલા પાણીના સંપને યોગ્ય રીતે ઢાંકવામાં આવ્યો ન હોવાના કારણે શાળાએ આવતા નાના બાળકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. ખુલ્લો સંપ કોઈ દુર્ઘટનાને આમંત્રણ ન આપે તે માટે તાત્કાલિક સુરક્ષાત્મક વ્યવસ્થા કરવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.
ચેલાવાડા ગામમાં અનેક સ્થળોએ કચરો જોવા મળતો હોવા છતાં કચરો નાખવા માટેની કચરાપેટીઓ ક્યાય પણ ઉપલબ્ધ ન હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. પરિણામે લોકો પાસે કચરો નાખવા માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ગામના જાહેર સ્થળો આસપાસ ગંદકી વધતી જાય છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ સ્વચ્છતા માટે સરકાર તરફથી ગ્રામ પંચાયતને ગ્રાન્ટ તથા અન્ય નાણાકીય જોગવાઈઓ કરવામાં આવે છે. તેમ છતાં ગામમાં સ્વચ્છતાની હાલત કથળેલી જોવા મળતી હોવાથી સ્વચ્છતા પાછળ મળતી રકમનો વાસ્તવિક ઉપયોગ ક્યાં અને કેવી રીતે થાય છે? તે અંગે ગ્રામજનોમાં સવાલો ઉઠી રહ્યા છે. ગામમાં કચરાપેટીનો અભાવ, કચરાના ઢગલા, પાણીના સંપની આસપાસ ગંદકી અને ખુલ્લી ટાંકી જેવી સ્થિતિ વચ્ચે ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતના વહીવટ અને સ્વચ્છતા કામગીરીની તપાસ કરવાની માંગ કરવામાં આવી રહી છે.
શાળાની આસપાસ કચરો, ખુલ્લો પાણીનો સંપ અને તેમાં ગંદુ તથા દુર્ગંધ મારતું પાણી હોવાના કારણે મચ્છરજન્ય તેમજ અન્ય રોગચાળો ફેલાવાની શક્યતા અંગે ગ્રામજનો ચિંતિત છે. ખાસ કરીને શાળા અને નંદઘર નજીક આવી સ્થિતિ હોવાના કારણે બાળકોના આરોગ્ય અને સલામતીનો મુદ્દો વધુ ગંભીર બની રહ્યો છે.

ગ્રામજનોની માંગ છે કે તાલુકા વિકાસ અધિકારી સહિત સંબંધિત અધિકારીઓ સ્થળ તપાસ કરે, સ્વચ્છતા પાછળ ફાળવવામાં આવતી ગ્રાન્ટ અને તેના ખર્ચની ચકાસણી કરે તથા શાળા પાસેના ખુલ્લા સંપને તાત્કાલિક સુરક્ષિત કરવામાં આવે.
ચેલાવાડામાં સ્વચ્છ ભારત અભિયાનના નામે થતી કામગીરી અને વાસ્તવિક સ્થિતિ વચ્ચેનો તફાવત દૂર કરવા હવે તંત્ર દ્વારા કાગળ પર નહીં, સ્થળ પર સફાઈ અભિયાન ક્યારે હાથ ધરાશે? તે જોવું રહ્યું.
* બાળકોના જીવને જોખમ છતાં ગ્રામ પંચાયતના આંખ આડા કાન! સ્વચ્છતાની ગ્રાન્ટના ઉપયોગ સામે ગ્રામજનોમાં સવાલો
