ગોધરા તા.
સંતરામપુર તાલુકામાં સોશિયલ મીડિયાના માધ્યમથી આદિવાસી સમાજ વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક અને જાતિવાચક શબ્દોનો ઉપયોગ કરવામાં આવતા ભારે જનરોષ જોવા મળી રહ્યો છે. આ મામલે તા.૦૬ ઓગસ્ટના રોજ આદિવાસી સમાજ તેમજ અન્ય સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે એકત્રિત થયા હતા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે લેખિત ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી અનુસાર થોડા દિવસો અગાઉ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ “GUJRATI-MOJ” અને અન્ય સોશિયલ મીડિયા આઈડી “king of bajrangd l official0084″ આ આઈડી ધારકો દ્વારા આદિવાસી સમાજ માટે કથિત રીતે અશોભનીય અને અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

આદિવાસી સમાજના પ્રતિનિધિઓ અને આગેવાનોએ સ્પષ્ટ માંગ કરી છે કે આ સમગ્ર મામલે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ ગુનો નોંધીને જવાબદાર વ્યક્તિઓ સામે તાત્કાલિક અને દાખલારૂપ કાયદાકીય કડક પગલાં ભરવામાં આવે.
સંતરામપુર પોલીસ સ્ટેશન દ્વારા આદિવાસી સમાજની લેખિત ફરિયાદ સ્વીકારવામાં આવી છે અને સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તંત્ર તરફથી જણાવવામાં આવ્યું છે કે સાયબર સેલ અને તાંત્રિક મદદથી વિવાદિત એકાઉન્ટ્સની તપાસ પૂર્ણ થયા બાદ કાયદા મુજબની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
