માર્ગ પર પડેલા ખાડાઓ વાહનચાલકો માટે જોખમરૂપ બનતા હોય છે, ત્યારે તંત્રનું ધ્યાન દોરવા માટે લોકો વિવિધ રીતે રજૂઆત કરતા હોય છે. પરંતુ ઘોઘંબા તાલુકાના પરોલી નજીક એક જાગૃત નાગરિકે તંત્રની આંખ ખોલવા માટે અનોખી યુક્તિ અપનાવી છે.
પરોલીથી હાલોલ તરફ જતા માર્ગ પર પરોલી કેનાલ નજીક ડામર રોડની વચ્ચોવચ્ચ ખાડો પડી ગયો છે. લાંબા સમયથી ખાડો યથાવત રહેતા અહીંથી પસાર થતા વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ ઊભું થયું હતું. ખાસ કરીને રાત્રિના સમયે ખાડો નજરે ન પડતાં કોઈ ગંભીર અકસ્માત સર્જાય તેવી ભીતિ વચ્ચે જાગૃત નાગરિકે ખાડામાં જ વૃક્ષારોપણ કરી દીધું હતું.
સામાન્ય રીતે માર્ગની બાજુમાં વૃક્ષો વાવવામાં આવે છે, પરંતુ અહીં રસ્તાની વચ્ચે જ વૃક્ષ વાવીને જાણે તંત્રને સંદેશ આપવામાં આવ્યો હોય કે ‘રસ્તામાં ખાડો છે કે ખાડામાં રસ્તો?’

જાગૃત નાગરિકનું કહેવું છે કે ખાડામાં વૃક્ષ વાવવાનો હેતુ માત્ર વિરોધ કરવાનો નથી, પરંતુ વાહનચાલકોનું ધ્યાન ખાડા તરફ દોરવાનું પણ છે, જેથી અકસ્માત ટાળી શકાય અને માર્ગ-મકાન વિભાગ તાત્કાલિક ધોરણે ખાડાનું સમારકામ કરે.
રસ્તા પર પડેલા ખાડાને લઈને અનેક વખત તંત્રનું ધ્યાન દોરવામાં આવતું હોવા છતાં જો કામગીરી ન થાય તો આખરે નાગરિકોએ આવી અનોખી રીત અપનાવવી પડે તે તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કરે છે.
હવે જોવાનું એ રહ્યું કે રસ્તાના ખાડામાં ઊગેલું આ વૃક્ષ માર્ગ-મકાન વિભાગની આંખ ખોલે છે કે પછી તંત્રની બેદરકારી વચ્ચે તે પણ મોટું થઈને ‘વૃક્ષ’ બની જાય છે.
સ્થાનિકો દ્વારા માર્ગ-મકાન વિભાગ સમક્ષ માંગ કરવામાં આવી છે કે પરોલી કેનાલ નજીકના આ ખાડાનું તાત્કાલિક ધોરણે પુરાણ કરી માર્ગનું સમારકામ કરવામાં આવે, જેથી વાહનચાલકોને અકસ્માતના જોખમમાંથી રાહત મળી શકે.
