પ્રતિનિધિ, કાજર બારીયા
છોટાઉદેપુર જિલ્લા માં પારંપરિક રીતે ઉજવાતા દિવાસા ની ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, આદિવાસીઓ સામુહિક જીવનશૈલી ને વરેલો સમુદાય છે. વર્ષ દરમિયાન સમયાંતરે હળવું મળવું અને એકબીજા ના સુખે સુખી અને એકબીજા ના દુઃખે દુઃખી તેવી પ્રકૃતિ ધરાવતો સમાજ છે જે તહેવારો માં પણ જોવા મળે છે કે એક બે મહિના ના અંતરે નજીક ના સગા સંબંધીઓ ને મળતા રહેવાય સુખદુઃખની વાતો થાય એકબીજા ના ખબર અંતર પૂછતા રહેવાય અને આત્મિયતા ભાવ બની રહે તે માટે રુતુ ચક્ર આધારિત તહેવારો નો સિલસિલો ગોઠવાયેલો રહે છે જેમાં નો એક તહેવાર એટલે દિવાસો.
વાવણીના કઠિન કાર્ય બાદ થાક ઉતારવા અને હળવા થવા માટે આદિવાસી સમાજ ઉજવે છે દિવાસા સારા વરસાદ અને સમૃદ્ધ પાકની કામના સાથે આદિવાસી પરિવારો પ્રકૃતિ પૂજામાં લીન થઈ ગામેગામ સ્થાનિક આદિવાસી દેવસ્થાનો અને સીમ દેવતાઓ સમક્ષ આસ્થાભેર પૂજન-અર્ચન કરવામાં આવતું હોય છે. આદિવાસી સંસ્કૃતિ પ્રકૃતિ સાથે જોડાયેલી છે, દિવાસા એ આપણી ધરોહર છે આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં પ્રકૃતિ પૂજા અને પૂર્વજોના સ્મરણના પવિત્ર પર્વ ‘દિવાહા’ (દિવાસો) ની પરંપરાગત અને આસ્થાપૂર્વક ઉજવણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અષાઢ માસની અમાસના દિવસે ઉજવાતો આ તહેવાર આદિવાસી સમાજ માટે પુરા મહીના દરમિયાન ગામ લોકો ની અનૂકુળતાએ એટલે કે ગામ માં ઢોરઢાંખર થી લઈને સૌ સાજા માજા હોય અને વાવણી વગેરે સફળતાપૂર્વક પાર પડી હોય ત્યારે નિરાંતે દિવાસો ઉજવવામાં આવે છે.

દિવાસો કયારે રાખવો તે ગામ ભેગું થઇ ને સામુહિક નિર્ણયે નક્કી કરવામાં આવતું હોય છે તેની જાહેરાત ગામ ના કોટવાળ દ્વારા ગામ ના ચોરે- ફળીયે એક અનોખી શૈલીમાં પોકાર પાડી ને કરવામાં આવે છે કે એ..આ હાટે દિવાહા નો હાટ કરવા નો છે અને ગુજરી ના દાહડે રાજીનુ ગાંયણું,દેવે દેવ કરવા નો છે….! આ પ્રમાણે પોકાર પાડી ને ગામ લોકો ને જાણ કરવા માં આવે છે અને તેને ગામ ના દરેક પરિવારોએ સામુહિક રીતે અનુસરી તહેવાર ની ખરીદી અને તૈયારીઓ શરૂ દેવાતી હોય છે.
ખેતી, પ્રકૃતિ અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમાન છે. સદીઓથી પ્રકૃતિના ખોળે ઉછરેલો આ સમાજ જળ, જમીન અને જંગલને માત્ર સંસાધન નહીં, પણ પૂજનિય માને છે અને દિવાસા જેવા પર્વો આ અજોડ સંબંધને વધુ મજબૂત બનાવે છે. ચોમાસાની શરૂઆત સાથે જ આદિવાસી ખેડૂતો દિવસ-રાત જોયા વગર ખેતરોમાં વાવણીના અતિ કઠિન કાર્યમાં વ્યસ્ત થઈ જાય છે. ખેતરોમાં સફળતાપૂર્વક વાવણી પૂર્ણ થયા બાદ, પાક ઉગી નીકળે તે વચ્ચેના સમયગાળામાં ખેડૂતોને થોડો આરામ મળે છે. આ જ આરામના પળોમાં વર્ષભરનો થાક ઉતારવા અને માનસિક રીતે હળવા થવા માટે આદિવાસી સમાજ દિવાસાના તહેવારને સપરિવાર અનોખા ઉલ્લાસ સાથે ઉજવે છે.
જિલ્લા માં આ વર્ષે વરસાદ પણ સારો રહ્યો છે ચાલુ વર્ષે જિલ્લાના છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં દિવાસા નો તહેવાર ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ તહેવાર દરમિયાન એક વિશેષ પરંપરા તરીકે જિલ્લાના ગામેગામ આવેલા આદિવાસી પરંપરાગત દેવસ્થાનો અને સીમ દેવો પર ગ્રામજનો દ્વારા એકઠા થઈને આસ્થાભેર વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. ગામના જ્ઞાની (બડવા) દ્વારા કરવામાં આવતી ધાર્મિક વિધિઓમાં આખું ગામ જોડાય છે અને સામૂહિક સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવે છે. આ પર્વ નિમિત્તે આદિવાસી પરિવારો દ્વારા ખેતરો માં પવિત્ર ધાન્ય નું પણ વાવેતર કર્યું હોય જેથી કરીને તેની પણ પૂજા-અર્ચના કરવામાં આવે છે. ધરતીપુત્રો દ્વારા ચાલુ વર્ષે સારો વરસાદ પડે અને ખેતીનો પાક ઉત્તમ થાય તે માટે કુદરત પાસે પ્રાર્થના કરવામાં આવી રહી છે.

છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી અગ્રણી વાલસિંહભાઈ રાઠવાએ તહેવારનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, આદિવાસી સમાજ સદીઓથી પ્રકૃતિનો ખરો પૂજક રહ્યો છે, દરેક ગામોમાં અલગ અલગ નામથી ઓળખાતા આદિ દેવસ્થાનો આવેલા હોય છે તેમની જરુરી પૂજા વિધિ ઉપરાંત પોતાના ખત્રી પૂર્વજો તથા સૂર્ય, ધરતી, નદી અને મહુડા કે સાગ જેવા પવિત્ર વૃક્ષોને દેવતા તુલ્ય ગણવામાં આવે છે જેમની પણ વિધિવત રીતે પૂજા કરાતી હોય છે. દિવાસાનો તહેવાર એ માત્ર ઉત્સવ નથી, પરંતુ આપણી આ પ્રકૃતિલક્ષી સંસ્કૃતિ અને ઓળખ છે. ખેતરોમાં વાવણી પૂરી કર્યા પછી આ તહેવાર આપણને શારીરિક અને માનસિક રીતે પુન: નવી ઉર્જા આપે છે. આ દિવસે અમે ગામના આદિ સ્થાનિક દેવસ્થાનોએ તથા ધરતી માતા અને મેઘરાજાની પૂજા કરીએ છીએ જેથી આખું વર્ષ ખેડૂતો સુખી થાય. નવી પેઢી પણ આપણી આ પરંપરાગત સંસ્કૃતિ અને લોકનૃત્યોના વારસાને જાળવી રાખે તે ખૂબ જ જરૂરી છે, દિવાસાના તહેવાર અંતર્ગત છોટાઉદેપુરના ગામડે-ગામડે મોડી રાત સુધી મોકલા પીહાની રમઝટ જોવા મળી રહી છે. પરંપરાગત પોશાક સજીને પુરુષો અને મહિલાઓ અનોખા આદિવાસી ગરબા રમી પૌરાણિક સંસ્કૃતિને જીવંત રાખી રહ્યા છે.
ગામ માં ચાલુ વર્ષે લગ્ન કરેલ ગામ ની યુવતીઓ આદિવાસી ગરબા ની રમઝટ ચાલતી હોય તેવા સમયે સજીધજીને તૈયાર થઈ ગામ ના આદિ દેવસ્થાનો પર દાળીયા નુ જરુરી પૂજન કરી તમામ લોકોને મુઠ્ઠીભરીને દાળીયા વહેંચતી હોય છે.
આ ઉપરાંત, પૂર્વજોને યાદ કરી વિશેષ પૂજા અને વાનગીઓનો ભોગ ધરાવવામાં આવે છે અને પછી સામુહિક રીતે સૌ સાથે બેસીને આત્મિય ભાવથી ભોજન લેવું આ આદિવાસી સમાજના લોકો ની ખાસિયત છે,આમ વર્ષ દરમિયાન ઉજવવામાં આવતા તહેવારો પૈકી દિવાસા ના તહેવાર નુ અહીં ના આદિવાસીઓ માટે ખુબ મહત્વ નો તહેવાર મનાવવામાં આવે છે.
