(પ્રતિનિધિ: રઈસ મલેક)
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના અનુસંધાને ખેડા જિલ્લામાં રવિવારે વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લાના મહુધા, અલીણા, કઠલાલ, મહેમદાવાદ, કપડવંજ, ડાકોર અને ઠાસરા સહિતના તાલુકાઓ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે.
મુશળધાર વરસાદના કારણે અનેક ખેતરો પાણીમાં ગરકાવ થઈ જતા બેટ જેવા દૃશ્યો સર્જાયા છે. અનેક માર્ગો પર પાણી ફરી વળતાં વાહનચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં આવેલા રહેણાંક મકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસવાના બનાવો સામે આવ્યા છે.

ડાકોરમાંથી પસાર થતી શેઢી નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થતાં નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ મહુધા તાલુકાના અલીણા ગામના મુખ્ય બજારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતાં વેપારીઓ અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

હવામાન વિભાગ દ્વારા હજુ વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની આશંકા સેવાઈ રહી છે. સંભવિત સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર સતર્ક બન્યું છે અને નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખી રહ્યું છે.
