નવી દિલ્હી: દિલ્હીમાં વિશેષ ગહન પુનરીક્ષણ (SIR)ની પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીને લઈને મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે. ચૂંટણી તંત્ર દ્વારા વિગતોમાં વિસંગતતા જણાતા આશરે 33.13 લાખ મતદારોને નોટિસ માટે ચિહ્નિત કરવામાં આવ્યા છે. આ યાદીમાં પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, AAP નેતા અરવિંદ કેજરીવાલ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલ સહિત અનેક જાણીતા નામોનો સમાવેશ થયો છે.
મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)ની કચેરીએ સ્પષ્ટ કર્યું છે કે નોટિસ મળવી એટલે મતદાર તરીકેનું નામ આપમેળે રદ થવું નહીં. સંબંધિત મતદારો પાસેથી જવાબ અને જરૂરી દસ્તાવેજો મેળવી તેમની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ જ અંતિમ મતદાર યાદીમાં નામ સામેલ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે.
98 વર્ષીય લાલકૃષ્ણ અડવાણી, તેમની પુત્રી પ્રતિભા અને પુત્રવધૂ ગીતિકાને પણ નોટિસ આપવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, તેમના નામ 2002ની SIR મતદાર યાદી સાથેની મેપિંગ પ્રક્રિયામાં મેળ ખાતા ન હોવાનું કારણ દર્શાવવામાં આવ્યું છે.
જોકે, અડવાણીના પુત્ર જયંતનું નામ મેપિંગ પ્રક્રિયામાં સફળતાપૂર્વક મેચ થયું હોવાનું જણાવાયું છે. અડવાણી પરિવારના આ સભ્યો નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારના મતદારો છે.
દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, તેમની પત્ની સીમા અને પુત્ર મીરને પણ નોટિસ મળી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મીરના દસ્તાવેજોમાં માતા-પિતાના નામ સાથે સંબંધિત વિસંગતતા અને સીમાના રેકોર્ડમાં તેમના પોતાના નામમાં બેમેલ હોવાના કારણે નોટિસ આપવામાં આવી છે.
આ ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, અરવિંદ કેજરીવાલ અને કપિલ સિબ્બલના નામ પણ નોટિસ માટે ચિહ્નિત કરાયેલા મતદારોની યાદીમાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, મુખ્યમંત્રી રેખા ગુપ્તાની મતદાર નોંધણી અંગે જરૂરી દસ્તાવેજોની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે અને તેમની એન્ટ્રીને માન્ય કરવામાં આવી છે. શાલીમાર બાગ વિધાનસભા મતવિસ્તારની અંતિમ મતદાર યાદીમાં તેમનું નામ સામેલ કરવા માટે સુરક્ષિત રાખવામાં આવ્યું છે.
દિલ્હીમાં 30 જૂનથી 17 ઓગસ્ટ દરમિયાન ઘર-ઘર જઈને મતદારોની વિગતોની ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન દરેક મતદારે ગણતરી ફોર્મ ભરવાનું હતું. મસદ્દા મતદાર યાદીમાં આશરે 97 લાખ મતદારોમાંથી 33.13 લાખ મતદારોના ફોર્મમાં વિસંગતતા જણાતા તેમને નોટિસ માટે ચિહ્નિત કરાયા છે. અત્યાર સુધીમાં 31.63 લાખથી વધુ નોટિસ આપવામાં આવી હોવાનું જણાવાયું છે.
CEO કચેરીએ જણાવ્યું છે કે નોટિસ મેળવનારા મતદારોએ પોતાના જવાબ અને જરૂરી દસ્તાવેજો 29 ઓક્ટોબર સુધી સંબંધિત વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી નોંધણી અધિકારી (ERO) સમક્ષ રજૂ કરવાના રહેશે.
બીજી તરફ, મતદાર યાદી અંગેના દાવા અને વાંધા રજૂ કરવાની પ્રક્રિયા 30 સપ્ટેમ્બરે પૂર્ણ થશે. દસ્તાવેજોની ચકાસણી અને જરૂરી કાર્યવાહી બાદ દિલ્હીની અંતિમ મતદાર યાદી 4 નવેમ્બરે પ્રકાશિત થવાની છે.
આ સમગ્ર પ્રક્રિયાને કારણે દિલ્હીની મતદાર યાદીમાં મોટા પાયે ચકાસણીનો તબક્કો શરૂ થયો છે. હવે નોટિસ મેળવનારા લાખો મતદારોના દસ્તાવેજોની ચકાસણી બાદ જ અંતિમ સ્થિતિ સ્પષ્ટ થશે.
અડવાણી, પુત્રી-પુત્રવધૂને પણ નોટિસ; 2002ની મતદાર યાદી સાથે નામનું મેપિંગ ન થતાં કાર્યવાહી
સિસોદિયા, પત્ની-પુત્ર સહિત કેજરીવાલ અને કપિલ સિબ્બલના નામ પણ યાદીમાં; 31.63 લાખથી વધુ નોટિસ અપાઈ
29 ઓક્ટોબર સુધી જવાબ-દસ્તાવેજો રજૂ કરવા ફરમાન; 4 નવેમ્બરે અંતિમ મતદાર યાદી થશે જાહેર
