કાજર બારીયા (છોટાઉદેપુર)
અવધ એક્સપ્રેસ, તા.૩૧
પાવીજેતપુર તાલુકાની બોરધા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અને ૩૧ ઓક્ટોબરના રોજ સરકારી સેવાઓમાંથી વય નિવૃત્ત થઈ રહેલા બે લોકપ્રિય શિક્ષકો વેચાતભાઇ રાઠવા અને સંગીતાબેન ગામીતનો વય નિવૃત્તિ સન્માન સમારોહ સમગ્ર ગામના સહયોગથી ભારે હર્ષોલ્લાસ અને ભાવુક વાતાવરણમાં યોજાયો હતો. આ પ્રસંગે યોજાયેલી ભવ્ય શોભાયાત્રા અને સન્માન સમારોહને કારણે સમગ્ર પંથકમાં આ વિદાય પ્રસંગ ઐતિહાસિક અને યાદગાર બની રહ્યો હતો.
વેચાતભાઈ રાઠવાની ૩૭ વર્ષની ઉત્કૃષ્ટ શૈક્ષણિક સેવા
આ વિદાય સમારોહમાં વય નિવૃત્ત થઈ રહેલા આદરણીય શિક્ષક વેચાતભાઇ રાઠવાએ શૈક્ષણિક ક્ષેત્રે પોતાના જીવનના અમૂલ્ય ૩૭ વર્ષ સુધી ઉત્કૃષ્ટ અને નિષ્ઠાપૂર્વકની સેવાઓ આપીને અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ કર્યું છે. તેમની આ દીર્ઘ અને સમર્પિત સેવા બદલ સમગ્ર પંથક તેમનો ઋણી રહેશે.
કાર્યક્રમની શરૂઆત જૂની પ્રાથમિક શાળા બોરધાથી નવી પ્રાથમિક શાળા સુધી યોજાયેલી એક ભવ્ય રેલી/શોભાયાત્રા સ્વરૂપે થઈ હતી. આ શોભાયાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ, શાળા પરિવાર તેમજ આખું ગામ ઉત્સાહભેર જોડાયું હતું. શાળાના ઉત્સાહી આચાર્ય સંજયભાઈ રાઠવા તથા ગામના યુવા સરપંચ સંજયભાઈ રાઠવાની ટીમે છેલ્લા એક મહિનાથી રાત-દિવસ મહેનત કરીને આ સમગ્ર વિદાય સન્માન કાર્યક્રમનું ભવ્ય આયોજન કર્યું હતું.
આ ભવ્ય કાર્યક્રમ દરમિયાન નિવૃત્ત થતા બંને શિક્ષકોને પ્રોત્સાહિત કરવા માટે તેમના સહકર્મચારીઓ, મિત્ર વર્તુળ અને સગા-સંબંધીઓ દ્વારા વિવિધ પ્રકારની યાદગાર ભેટસોગાદો અને સન્માન પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ સ્નેહભર્યા સન્માનથી વાતાવરણ ગૌરવમય બની ગયું હતું અને સમગ્ર કાર્યક્રમ ઐતિહાસિક સ્મૃતિ બની રહ્યો હતો.
૧૯૬૧ માં શિક્ષક તરીકે ની કારકિર્દી શરૂ કરી ૨૦૦૧ માં ૪૦ વર્ષ સુધી શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને ઉદાહરણ રૂપ સેવાઓ આપી હાલમાં નિવૃત્ત થયેલા નિવૃત્ત થઈ રહેલા શિક્ષક વેચાતભાઇ રાઠવાને પ્રાથમિક શિક્ષણ આપનાર (એકડો ઘૂંટાવનાર) તેમના ગુરુ પારસિંગભાઈ રાઠવા તેમની વય નિવૃત્તિ ના ૨૬ વર્ષ પછી પણ ૮૫ વર્ષની ઉંમરે કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહીને આ પ્રસંગની ગરિમા વધારી હતી અને ‘સોનામાં સુગંધ ભળવી’ ઉક્તિને સાર્થક કરી હતી.
૨૬ વર્ષની અતૂટ સેવા બાદ સંગીતાબેન ગામીત વિદાય થતાં ગ્રામજનો ધ્રુસકે ધ્રુસકે રડ્યા હતા. આ જ શાળામાં છેલ્લા ૨૬ વર્ષથી અવિરત સરકારી સેવા આપનાર મહિલા શિક્ષિકા સંગીતાબેન ગામીત પણ આ જ શાળામાંથી વય નિવૃત્ત થયા હતા. લાંબા સમયની સેવાને કારણે પુરા ગામ સાથે તેમનો એક પરિવાર જેવો અતૂટ નાતો બંધાઈ ગયો હતો. વિદાયની એ ક્ષણોમાં સમગ્ર ગ્રામજનો અને વિદ્યાર્થીઓ પોતાના વહાલા શિક્ષિકાને વિદાય આપતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા, જેના કારણે સમગ્ર માહોલ અત્યંત ભાવુક બની ગયો હતો.
તેમના ભત્રીજા અને જિલ્લા ટીબી એચઆઇવી કો-ઓર્ડીનેટર વાલસિંગભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, “વેચાતભાઇ એક શાંત અને સૌમ્ય સ્વભાવના ધની છે. એક શ્રેષ્ઠ શિક્ષકને છાજે તેવું તેમનું વર્તન અને વ્યવહાર રહ્યો છે. અમારા પરિવારમાંથી પ્રથમ સરકારી સેવામાં જોડાનાર આ વિરલ વિભૂતિથી અમને જીવનમાં આગળ વધવાની ઘણી બધી પ્રેરણા મળી છે.”
આ કાર્યક્રમમાં જિલ્લા ટીબી એચઆઇવી કો-ઓર્ડીનેટર વાલસિંગભાઈ રાઠવા, તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ નરેન્દ્ર ભાઇ રાઠવા, જિલ્લા શિક્ષક સંઘના હોદ્દેદાર છત્રસિંહ ભાઈ રાઠવા, સજવા જિલ્લા પંચાયત સદસ્ય ભરતભાઈ રાઠવા, બોરધા તાલુકા પંચાયત સદસ્ય રમેશભાઈ રાઠવા, પાણીબાર તાલુકા પંચાયત સદસ્ય મહેશભાઈ રાઠવા, બોરધા ગ્રામ પંચાયતના યુવા સરપંચ સંજયભાઈ રાઠવા, નાનીઅમરોલ ગ્રામ પંચાયત સરપંચ પ્રતિનિધિ એડવોકેટ પિયુષભાઈ રાઠવા સહિત પાવીજેતપુર તાલુકાના શિક્ષક સંઘના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં શિક્ષકગણ ઉપસ્થિત રહ્યો હતો.
કાર્યક્રમના અંતે નિવૃત્ત થતા બંને શિક્ષકો વેચાતભાઇ રાઠવા તથા સંગીતાબેન ગામીતે પોતાના કાર્યકાળના સંસ્મરણો વાગોળ્યા હતા અને શાળા પરિવાર તેમજ ગ્રામજનો તરફથી મળેલા અદ્ભુત સહયોગ બદલ તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ના જવનીકાબેન રાઠવા એ કર્યું હતું.
