કાજર બારીયા (છોટાઉદેપુર)
અવધ એક્સપ્રેસ, તા.૨૪
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકા મથક ખાતે અંદાજિત રૂ. ૭.૮૩ કરોડના ખર્ચે નિર્માણ પામનાર નવીન એસ.ટી. બસ સ્ટેશનનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પાવીજેતપુરના ડેપ્યુટી સરપંચ મોન્ટુ શાહ દ્વારા સ્થાનિક જનહિત અને મુસાફરોની સુવિધા માટે કરવામાં આવેલા સતત પ્રયાસો અને સરકારમાં કરાયેલી રજૂઆતો આખરે સફળ રહી છે, જેના પરિણામે વર્ષો જૂની માંગ સંતોષાતા સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ ખાતમુહૂર્ત કાર્યક્રમ છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, સાંસદ જશુભાઈ રાઠવા તેમજ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક સંપન્ન થયો હતો. આ પ્રસંગે ડેપ્યુટી સરપંચ મોન્ટુ શાહ સહિતના સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પાવીજેતપુર તાલુકા મથક હોવા છતાં અત્યાર સુધી સુવિધાયુક્ત બસ સ્ટેશનના અભાવે મુસાફરો, વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને ભારે હાલાકી વેઠવી પડતી હતી. ડેપ્યુટી સરપંચ મોન્ટુ શાહની સક્રિય કામગીરી અને રજૂઆતો બાદ મંજૂર થયેલા રૂ. ૭.૮૩ કરોડના આ પ્રોજેક્ટ અંતર્ગત અહીં આધુનિક બસ સ્ટેશન, બેઠક વ્યવસ્થા, શુદ્ધ પીવાનું પાણી અને શૌચાલય સહિતની તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવશે. આ બસ સ્ટેશન સાકાર થતાં પાવીજેતપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના હજારો નાગરિકો માટે પરિવહન સેવા વધુ સરળ બનશે.
ડેપ્યુટી સરપંચ મોન્ટુ શાહના સતત પ્રયાસો લાવ્યા રંગ: વર્ષો જૂની માંગણી સંતોષાતા તાલુકાવાસીઓમાં આનંદ
