કાજર બારીયા (છોટાઉદેપુર)
અવધ એક્સપ્રેસ, તા.૨૩
છોટાઉદેપુર જિલ્લાના કદવાલ પંથકમાં આવેલા સુખી ડેમમાંથી એક સગીર પ્રેમી યુગલના મૃતદેહ એકબીજાને વળગેલી હાલતમાં મળી આવવાની હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર પંથક સહિત સમાજને હચમચાવી દીધો છે. ગત બુધવારે સાંજે ડેમના પુલ પરથી ઝંપલાવનાર આ બંને સગીરોના મૃતદેહ શુક્રવારે વહેલી સવારે ફાયર વિભાગની શોધખોળ બાદ મળી આવ્યા હતા. કદવાલ પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે, પરંતુ આ ઘટનાએ વર્તમાન સમયમાં સગીર વયના બાળકો, તેમના વાલીઓ અને સમગ્ર સામાજિક વ્યવસ્થા સામે અનેક ગંભીર પ્રશ્નાર્થો ઊભા કર્યા છે.
આજની આધુનિક અને સોશિયલ મીડિયાના પ્રભાવવાળી જીવનશૈલીમાં સગીર વયના બાળકો ખૂબ વહેલા આકર્ષણ કે પ્રેમમાં પડી જતા હોય છે. આ ઉંમરે માનસિક પરિપક્વતાનો અભાવ હોવાથી, જ્યારે તેમને કોઈ મુશ્કેલી કે સામાજિક ડર દેખાય છે, ત્યારે તેઓ આવા ગંભીર અને આત્મઘાતી પગલાં ભરી લેતા હોય છે. આ પરિસ્થિતિમાં સુધારા માટે વાલીઓએ પોતાના સગીર વયના બાળકો સાથે મિત્રતાભર્યું વાતાવરણ રાખી સંવાદનો સેતુ મજબૂત કરવો ખૂબ જ જરૂરી છે, જેથી બાળકો પોતાની લાગણીઓ કે સમસ્યાઓ ઘરમાં મુક્તપણે કહી શકે અને ડરના માર્યા કોઈ ખોટું પગલું ન ભરે. આ સાથે જ માત્ર પુસ્તકિયું જ્ઞાન આપવાને બદલે શાળાઓમાં પણ જીવન મૂલ્યો, લાગણીઓ પર નિયંત્રણ અને માનસિક મજબૂતાઈ અંગેના ખાસ સત્રો યોજીને નૈતિક શિક્ષણ આપવું અનિવાર્ય બન્યું છે.
સામાજિક સ્તરે પણ સગીરોની ભૂલોને માત્ર ગુના કે બદનામીની નજરે જોવાને બદલે, તેમને સહાનુભૂતિપૂર્વક પ્રેમથી સમજાવવા અને સાચું સામાજિક માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ, કારણ કે કૌટુંબિક દબાણ કે સામાજિક તિરસ્કાર ઘણીવાર માસૂમ બાળકોને આત્યંતિક નિર્ણયો તરફ ધકેલે છે. સુખી ડેમની આ દુ:ખદ ઘટના માત્ર એક અકસ્માત નથી, પરંતુ સમગ્ર સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો છે, જે દર્શાવે છે કે જો સમયસર વાલીઓ અને સમાજ જાગૃત થઈને યોગ્ય પગલાં નહીં ભરે તો આવી માસૂમ જિંદગીઓ હોમાતી રહેશે.
હાલ સગીર પ્રેમી યુગલે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. આ બાબતે કદવાલ પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
