ડેસર: ડેસર ખાતે ઈદે મિલાદુન્નબીની ઉજવણીના પ્રસંગે શાનદાર નાત શરીફના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક માહોલ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં વડોદરા ખાંનકાહે એહલે સુન્નતના ગાદીપતિ સૈયદ અમીરૂદ્દીન કાદરીએ હુઝૂર પયગંબર મોહમ્મદ સાહેબની શાનમાં તેમજ ગૌષેઆઝમ અને ગરીબ નવાઝની શાનમાં પોતાના જોશીલા કંઠે નાત શરીફ રજૂ કરી હતી.
તેમની નાત શરીફથી સમગ્ર કાર્યક્રમ ધાર્મિક અને ભાવનાત્મક માહોલથી ગુંજી ઉઠ્યો હતો. જ્યારે પેટલાદના તસાબાપુ અને તેમના સહયોગીઓએ પણ પોતાના આગવા અંદાજમાં નાત શરીફ રજૂ કરી કાર્યક્રમને વધુ શાનદાર બનાવ્યો હતો.
આ પ્રસંગે ડેસર ઉપરાંત પીપલછટ, અંદ્રખિયા તથા એરાલ સહિતના વિસ્તારોમાંથી મુસ્લિમ સમાજના અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઈદે મિલાદુન્નબી નિમિત્તે યોજાયેલા આ નાત શરીફના કાર્યક્રમમાં ભક્તિભાવ અને ધાર્મિક એકતાનો માહોલ જોવા મળ્યો હતો.
