સાવલીના રાણીપુરા ગામે ‘લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મરતા નથી’ કહેવતને સાર્થક કરતો આ કિસ્સો સામે આવ્યો છે, જેમાં અલ્ટો કારની લાલચમાં એક 62 વર્ષીય વૃદ્ધે પોતાની મહેનતની રૂ.28 લાખથી વધુની રકમ ગુમાવી હોવાનો આક્ષેપ થયો છે.
મળતી માહિતી મુજબ, વૃદ્ધને એક વ્યક્તિ દ્વારા સંપર્ક કરી લોટરીમાં અલ્ટો કાર લાગી હોવાનું કહી વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. વૃદ્ધને એવું કહેવામાં આવ્યું કે લોટરીમાં કાર લાગી છે, પરંતુ કાર મેળવવા માટે રજિસ્ટ્રેશન, ટેક્સ, પ્રોસેસિંગ સહિતના વિવિધ ચાર્જ ભરવા પડશે. લાલચ અને વિશ્વાસ વચ્ચે વૃદ્ધે અલગ-અલગ તબક્કે ધુતારાઓની વાતમાં આવી જઈને અલગ-અલગ બેંક ખાતામાં કુલ રૂ.28,52,120 જમા કરાવ્યા હોવાનો આક્ષેપ છે. પરંતુ પૈસા જમા કરાવ્યા બાદ પણ કાર તો ન મળી અને આખરે સમગ્ર મામલો છેતરપિંડીનો હોવાનું સામે આવ્યું. આ મામલે અભિષેક કુમાર પાંડે સામે સાવલી પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
અલ્ટો કાર માટે ઓડી જેટલા રૂપિયા ગુમાવ્યા! આ ઘટનામાં સૌથી મોટો સવાલ એ છે કે જે અલ્ટો કાર મેળવવાની લાલચ આપવામાં આવી હતી, તેની કિંમત કરતાં અનેકગણી રકમ વૃદ્ધ પાસેથી પડાવી લેવામાં આવી! એટલે કે, મફતમાં અલ્ટો કાર મેળવવાની લાલચમાં વિશ્વાસ મૂકનાર વૃદ્ધ પાસેથી ધુતારાઓએ એવી રકમ પડાવી કે જાણે અલ્ટો નહીં, વૈભવી ઓડી કાર ખરીદી હોય!
આ કિસ્સો માત્ર છેતરપિંડીનો નથી, પરંતુ લાલચ સામે સાવધાન રહેવાની ચેતવણી પણ છે.
યાદ રાખજો… મફતમાં કાર, ઇનામ કે લોટરી લાગ્યાનો કોઈ ફોન આવે અને તેના બદલામાં પહેલાં પૈસા માંગવામાં આવે, તો એક ક્ષણ પણ વિશ્વાસ ન કરતા. ‘ઇનામ મેળવવા પૈસા આપવાના’ હોય તો સમજજો કે ઇનામ નહીં, છેતરપિંડીની જાળ પાથરવામાં આવી રહી છે. અજાણ્યા વ્યક્તિના ફોન પર કોઈપણ રકમ ટ્રાન્સફર કરતા પહેલાં પરિવારજનો, બેંક અથવા પોલીસની સલાહ લો. લાલચ મોટી હોય તો નુકસાન પણ મોટું થઈ શકે છે… સાવધાન રહો, સુરક્ષિત રહો.

