દાહોદ જિલ્લાના ગરીબ આદિવાસી પ્રજાજનો સુધી વિકાસના કામો પહોંચે આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વિવિધ યોજનાલક્ષી કરોડો રૂપિયાની ગ્રાન્ટના નાણાં ફાળવવામાં આવતા હોય છે અને ગુજરાતના સત્તાધારી ભા.જ.પ. સરકારના સત્તાકાળમાં દાહોદ જિલ્લામાં જ્યારે કોઈપણ જાહેર કાર્યક્રમ યોજવામાં આવે ત્યારે સત્તાધારી ભા.જ.પ.ના એ પદાધિકારીઓ જાહેર મંચ ઉપરથી વિકાસ અને વિકાસની જ વાતો કરતા હોય છે. આ સાંભળીને દાહોદ જિલ્લાના ગરીબ આદિવાસી પ્રજાજનો પણ વિકાસને શોધવા માટે ભ્રામિત દેખાતા હોય છે. આ ગરીબ આદિવાસી પ્રજાજનોની કાળી મજૂરીના પરસેવાથી ઓળખાતા દાહોદ જિલ્લાના પ્રતિનિધી તરીકે ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારાને મંત્રીમંડળમાં સામેલ કરાયા છે. ગુજરાત સરકારના મંત્રી રમેશ કટારા મતવિસ્તાર ના ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે આવેલા કટારા ફળીયામાં રસ્તાના અભાવે એક મજબૂર પિતા પોતાની વ્હાલસોયી માસૂમ દીકરીના મોતના આસુંઓ સારતા આ વલોપાતો વચ્ચે લાડલી દીકરીના મૃતદેહને ખભા ઉપર મૂકીને કાદવ કીચડ માંથી ઘરે જતા હોવાના આ કંપાવનારા દ્રશ્યોનો કિસ્સો બહાર આવ્યો છે. દાહોદ જિલ્લાના સત્તાધીશોમાં એટલી તાકાત કે હિંમત નથી કે રાજ્ય સરકારના મંત્રી રમેશ કટારાના માદરે વતન હિંગલા ગામથી માત્ર ૩ કિલોમીટરના અંતરે આવેલા સાગડાપાડા ગામે જઈને ૮૦ વર્ષોથી રસ્તાની સુવિધાઓથી વંચિત રાખવામાં આવેલા કટારા ફળિયાના રહીશો સુધી પહોંચે તદ્દઉપરાંત સાગડાપાડા ગામ એ દાહોદ જિલ્લા ભા.જ.પ.ના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ ભા.જ.પ. મંત્રી શંકરભાઈ આમલીયાર નું વતન છે અને તેઓના ભાઈ સાગડાપાડા ગામના સરપંચ છે. આ ભા.જ.પ.ના મહાનુભાવો સાગડાપાડા ગામના કટારા ફળીયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસનો એક રસ્તો પહોંચાડી શક્યા નથી. દાહોદ જિલ્લાના વહીવટી સત્તાધીશો કે જેઓ સત્તાધારી ભા.જ.પ ના રાજનેતાઓની મંજૂરી વગર પીવાનું પાણી પણ પી શકતા નથી અને આ રાજનેતાઓ ખૂદ ગરીબ આદિવાસી પ્રજાજનો સુધી વિકાસ પહોંચાડવા તૈયાર નથી આવા સંજોગોમાં ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામના કટારા ફળીયામાં રહેતા એક પિતા એ પોતાની ૧૩ વર્ષની વ્હાલસોયી દીકરીના અકાળે મોતના પગલે પિતાની આંખોમાંથી આંસુઓ વહેતા હતા ઘર આંગણે સ્વજનો કલ્પાંત કરતા હતા. આ વ્હાલસોયી માસૂમ દીકરીના મૃતદેહને ઘર આંગણે લઈ જવા માટે રસ્તાની સુવિધાના અભાવે વાહન પહોંચી શકે એમ નથી ની લાચારીઓ વચ્ચે આ પિતા વ્હાલસોયી માસૂમ દિકરીના મૃતદેહને ખભા ઉપર નાંખીને કાદવ કીચડને ખૂંદતા ઘેર જવા મજબૂર બન્યા હોવાની આ ઘટનાને લઈને દાહોદ જિલ્લાના ગરીબ આદિવાસી પ્રજાજનોમાં ખળભળાટ પ્રસરી જવા પામ્યો છે. ગુજરાતની સત્તાધારી ભા.જ.પ. સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ કંપાવનારી સત્ય ઘટના સંદર્ભમાં તપાસોના આદેશો આપીને પોતાના સાથી એવા ભા.જ.પ.ના ચૂંટાયેલા પ્રતિનિધીઓને નારાજ કરે એવા અણસારો દેખાતા નથી. ત્યારે રાજ્ય માનવ અધિકાર આયોગ અને ગુજરાત હાઇકોર્ટ દ્વારા દાહોદ જિલ્લાના સાગડાપાડા ગામના કટારા ફળીયાની આ કંપાવનારી ઘટના સંદર્ભમાં સુઓમોટો નોંધ લઈને તપાસના આદેશો આપવામાં આવે એવી ગરીબ આદિવાસી પ્રજાજનોની લાગણીઓ છે.

ચોમાસામાં રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ જતાં અને કીચડનું સામ્રાજ્ય સ્થપાતાં ૧૦૮ એમ્બ્યુલન્સ કે ફોર-વ્હીલર ગામ સુધી પહોંચી શકતા નથી. બીમાર દર્દીઓ કે સગર્ભા મહિલાઓને આજે પણ ખાટલા કે ઝોળીમાં બેસાડીને મુખ્ય રસ્તા સુધી ઢસડવા પડે છે. તેમજ શાળાએ જતા નાના-નાના બાળકો દરરોજ આ કીચડમાં લપસીને ઈજાગ્રસ્ત થાય છે. આ અંગે ગ્રામજનોએ સરપંચ, ધારાસભ્યથી લઈને સાંસદ સુધી લેખિત-મૌખિક અસંખ્ય રજૂઆતો કરી છે, પરંતુ ફાઈલો સરકારી દફતરોમાં ધૂળ ખાતી પડી રહી છે.
સ્થાનિક આદિવાસી સમાજમાં તંત્રની આ ઉદાસીનતા સામે ભારે રોષ વ્યાપ્યો છે. ગ્રામજનોની સ્પષ્ટ માગણી છે કે વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ મુલાકાત લઈ વાસ્તવિક સ્થિતિ સમજે. કાગળ પરની મંજૂરીઓ બાજુ પર મૂકી જમીન પર સત્વરે સી.સી. રોડ અથવા ડામર રોડનું નિર્માણ કરવામાં આવે. જો ટૂંક સમયમાં યોગ્ય ઉકેલ નહીં આવે, તો સમગ્ર ગામ ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશેની ચીમકી ઉચ્ચારી છે.
આઝાદીના ૮૦ વર્ષો પછી પણ જો પિતાએ માસૂમ દીકરીના મૃતદેહને ખભે ઊંચકીને કીચડ ખૂંદવું પડતું હોય, તો આ ‘વિકાસ’ કોના માટે છે?
કરોડો રૂપિયાના વિકાસના હોર્ડિંગ્સ પાછળ છુપાયેલી આદિવાસીઓની આ આંસુ ભરેલી પીડા ક્યારે દૂર થશે?
દાહોદ જિલ્લાના સમાહર્તા સુરભી ગૌતમે સાગડાપાડાના કટારા ફળીયાની સ્થળ મુલાકાત લેવી જોઈએ આ સમયની માંગ છે.!!
દાહોદ જિલ્લા સમાહર્તા સુરભી ગૌતમની એક જવાબદારી છે કે ગામડાઓમાં પ્રજાજનોના ઘરો સુધી મૂળભૂત જરૂરીયાતની સુવિધાઓ પહોંચવી જોઈએ અને એકપણ પ્રજાજન પાયાની સુવિધાઓથી વંચિત ના રહે, આ જિલ્લા સમાહર્તા તરીકેની વહીવટી જવાબદારીઓ વચ્ચે પરોગામી જિલ્લા સમાહર્તાઓએ શુ ધ્યાન આપ્યું.? આ મૂલ્યાંકન કરવાના બદલે ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામના કટારા ફળીયામાં રહેતા અને વ્હાલસોયી માસૂમ દીકરીના અકાળે મોતથી અંત્યત દુઃખી એવાએ પિતાના ઘરની મુલાકાત લઈને રસ્તાના અભાવે આ પિતા પોતાની વ્હાલસોયી દીકરીના મોતનો અસહય બોજ ખભા ઉપર મૂકીને કાદવ કીચડ માંથી ઘરે કેવી રીતે આવ્યા આ હૃદયસ્પર્શી કલ્પાંતની મજબૂરીઓને જિલ્લા સમાહર્તા તરીકે રૂબરૂમાં જાણવી જોઈએ. સાથોસાથ સાગડાપાડા ગ્રામ પંચાયતના સત્તાધીશોના વિકાસના દાવાઓના હિસાબ કિતાબોની એવી રીતે ચકાસણીઓ કરવી જોઈએ કે રસ્તા ના અભાવે પ્રજાજનોને લાચાર અને દુઃખી ના થવું પડે.!!
———-
ગુજરાત હાઈકોર્ટ અને રાજય માનવ અધિકાર આયોગ દ્વારા તપાસોના આદેશો આપે એવી ગરીબ આદિવાસીઓની લાગણીઓ….
—–
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના સાથી પદાધિકારીઓ ભલે નારાજ થાય પરંતુ આ મજબૂર પિતાના દર્દને પણ જાણવું જરૂરી છે ના તપાસના આદેશ આપવા જોઈએ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસની ઝંખનાઓ ગુજરાત સરકારના મંત્રી રમેશ કટારાના કાર્યક્ષેત્રમાં”જળમૃગ”સમાન દેખાઈ….
