ડેસર તાલુકાના પાંડુ ગામે ગ્રામજનો માટે વર્ષોથી કાર્યરત અને ઐતિહાસિક એવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ને આધુનિક સ્વરૂપ મળ્યું છે. પાંડુ ખાતે કાર્યરત વર્ષો જૂના પીએચસી કેન્દ્રને જમીનદોસ્ત કરી, તેના સ્થાને તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ જ્યોત્સનાબેન રબારીના વરદ હસ્તે રીબીન કાપીને આ નૂતન આરોગ્ય ધામને લોકાર્પિત કરવામાં આવ્યું હતું.
આ અદ્યતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી ગ્રાન્ટના ₹૧ કરોડ ૨૬ લાખના માતબર ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, જૂના બિલ્ડીંગના સ્થાને નવા મકાન માટે વર્ષ ૨૦૧૯માં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જે હવે સંપૂર્ણ રીતે તૈયાર થતાં પાંડુ અને આસપાસના ગ્રામીણ વિસ્તારના હજારો લોકોને વધુ સારી અને ઝડપી તબીબી સેવાઓ ઘરઆંગણે જ મળી રહેશે.
કાર્યક્રમની શરૂઆત સ્થાનિક પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા પ્રસ્તુત કરાયેલા મધુર સ્વાગત ગીતથી કરવામાં આવી હતી. ત્યારબાદ મંચસ્થ તમામ મુખ્ય મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપીને ભાવભર્યું સ્વાગત કરાયું હતું.

આ ગરિમામય અવસરે મુખ્ય અતિથિ વિશેષ તરીકે સાવલી-ડેસર વિધાનસભા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય કેતનભાઈ એમ. ઈનામદાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વડોદરા જિલ્લા પંચાયતની જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન ભાવેશભાઈ એસ. પટેલ, સહકાર અને સિંચાઈ સમિતિના ચેરમેન મહેન્દ્રસિંહ ડી. સોલંકી તેમજ ડેસર તાલુકા પંચાયતના પ્રમુખ વનરાજસિંહ બી. ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક પ્રવચન આપ્યા હતા.
આ તકે પાંડુ ગ્રામ પંચાયતના સરપંચ સરફરાઝ ખાન ખાનજાદાએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ જેવા કે એડી.એચ.ઓ. ડૉ. શૈલેષ સુતરીયા, ટી.એચ.ઓ. ડૉ. રાજીવ કુમાર સિંહા અને એમ.ઓ. ડૉ. રોમચ જોશી સહિત સ્થાનિક રાજકીય અગ્રણીઓ, કાર્યકરો અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. વર્ષો જૂના કેન્દ્રને નવું ભવ્ય રૂપ મળતાં સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
