સાવલી તાલુકામાં રક્ષાબંધન પર્વની પરંપરાગત ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. સાવલી સહિત વિવિધ વિસ્તારોમાં બહેનોએ ભારે હેતથી ભાઈઓને રાખડી બાંધી ભાઈ-બહેનના પવિત્ર સંબંધને વધુ ગાઢ બનાવ્યો હતો.
સમગ્ર તાલુકામાં બહેનો ભાઈઓ ના કાંડે રાખડી બાંધીને પૂજા અર્ચના કરીને જુગ જુગ જીવો ના આશીર્વાદ આપતી હતી જ્યારે ભાઈઓ પણ જન્મો જનમ બહેનની રક્ષા કરવાની વચન આપતા જોવા મળતા હતા વિવિધ સ્થળોએ પરિવારજનો તેમજ સમૂહમાં રક્ષાબંધનના કાર્યક્રમો યોજાયા હતા. ભાઈઓએ બહેનોને ભેટ આપી તેમની રક્ષા અને સુખ-સમૃદ્ધિનું વચન આપ્યું હતું.
રક્ષાબંધનને લઈને સાવલીના મુખ્ય બજારમાં ભારે ભીડ જોવા મળી હતી. રાખડી, મીઠાઈ, ફૂલો અને ભેટોની ખરીદી માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતાં બજારોમાં ચહલપહલ જોવા મળી હતી. તહેવારને પગલે વેપારી વર્ગમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
તહેવાર નિમિત્તે સાવલી તાલુકાના વિવિધ મંદિરોમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા હતા અને ધાર્મિક વાતાવરણ વચ્ચે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. સમગ્ર તાલુકામાં ભાઈઓ અને બહેનો ના અનોખા સંબંધો ની તસવીરો જોવા મળતી હતી
