શ્રી મોઢ અગિયાસણા બ્રાહ્મણ સમાજ, વડોદરા એકમ દ્વારા આજે બળેવ પર્વ નિમિત્તે સમૂહ જનોઈ પરિવર્તનનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. વડોદરાના ઝાંસી કી રાણી સર્કલ પાસે, સમતા ફ્લેટ નજીક આવેલ સૌરભ પાર્ક સોસાયટીના શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરે યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના મોટી સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા.
જ્ઞાતિના અગ્રણી રોહિતભાઈ પંડયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં વૈદિક વિધિ-વિધાન સાથે ઉપસ્થિત ભૂદેવોએ નૂતન યજ્ઞોપવીત ધારણ કરી ધાર્મિક પરંપરાને ઉજાગર કરી હતી.

આ પ્રસંગે સમાજની મહિલા અગ્રણીઓ ઉર્મિલાબેન, ઉષાબેન, કલ્પનાબેન સહિતની બહેનોએ ઉપસ્થિત ભાઈઓને રક્ષા બાંધી હતી. ધાર્મિક અને સામાજિક સૌહાર્દના વાતાવરણ વચ્ચે યોજાયેલા કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ અને સભ્યો ઉત્સાહભેર જોડાયા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા માટે રઘુવીરભાઈ પંડયાના માર્ગદર્શન હેઠળ કન્વીનર રાકેશભાઈ પંડયા અને તુષારભાઈ પંડયા સહિત કમિટી મેમ્બરો તેમજ મનોજભાઈ પંડયાએ આયોજન અને વ્યવસ્થાની જવાબદારી સંભાળી અથાક પરિશ્રમ કર્યો હતો.
આ ઉપરાંત કાર્યક્રમમાં એડવોકેટ શરદભાઈ દવે અને કોકીલાબેન પંડિતનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો હતો. સમૂહ જનોઈ પરિવર્તનના આ ધાર્મિક કાર્યક્રમ દ્વારા સમાજની પરંપરા, સંસ્કાર અને એકતાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.
