ઘોઘંબા: ભારતીય સંસ્કૃતિની આત્મા સમાન અને વિશ્વની પ્રાચીન ભાષાઓમાં સ્થાન ધરાવતી સંસ્કૃત ભાષાના ગૌરવ, મહત્ત્વ અને તેના સંવર્ધનનો સંદેશ જનજન સુધી પહોંચે તેવા ઉમદા હેતુથી ઘોઘંબાની એસ.એચ. વરિયા હાઈસ્કૂલ ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષાના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સંસ્કૃત માત્ર ભાષા નથી, પરંતુ ભારતના જ્ઞાન, સંસ્કાર, પરંપરા અને સાંસ્કૃતિક વારસાનું જીવંત પ્રતિબિંબ છે.

ત્યારબાદ એસ.એચ. વરિયા હાઈસ્કૂલ ખાતેથી સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળી હતી. યાત્રા ઘોઘંબા બજાર વિસ્તારમાં ફરી માતાજીના મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં પૂજા-અર્ચના કરવામાં આવી હતી.
યાત્રા દરમિયાન નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ વિવિધ આકર્ષક વેશભૂષા ધારણ કરીને ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાની ભવ્ય ઝાંખી રજૂ કરી હતી. વિદ્યાર્થીઓના ઉત્સાહ અને સંસ્કૃતિ પ્રત્યેના લગાવને કારણે સમગ્ર યાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી અને ઘોઘંબા નગરમાં સંસ્કૃતના ગૌરવનો અનોખો માહોલ સર્જાયો હતો.
કાર્યક્રમમાં સંસ્કૃત ગૌરવ યાત્રાના નોડલ અધિકારી, જિલ્લા સદસ્ય વર્ષાબેન, ગામના સરપંચ નિલેશભાઈ વરિયા, વાલી મંડળના પ્રમુખ મહેન્દ્રસિંહ મોતીસિંહ પરમાર, જિલ્લા માધ્યમિક સંઘના પ્રમુખ પી.એસ. પરમાર, પીઆઈ ગઢવી, ટીપીઓ, નાયબ મામલતદાર તેમજ નાલંદા વિદ્યાલયના ટ્રસ્ટી કુમારી નેહલ મેડમ સહિત મહાનુભાવો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંસ્કૃત ગૌરવ યાત્રા દ્વારા નવી પેઢીમાં પોતાની ભાષા, સંસ્કૃતિ અને સંસ્કારો પ્રત્યે ગૌરવની ભાવના જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘોઘંબામાં યોજાયેલી આ ભવ્ય યાત્રાએ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે
“સંસ્કૃતનું જતન એટલે ભારતીય સંસ્કૃતિના મૂળનું જતન.”
કાર્યક્રમના સફળ આયોજનને પગલે ઘોઘંબા પંથકમાં સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો હતો.
