અવધ એક્સપ્રેસ સાવલી
સાવલી નગર સ્ટેશન વિસ્તારની આશિષ પાર્ક સોસાયટીમાં ઉભરાતી ગટરોને લઈને સ્થાનિકોમાં રોષ સાવલી નગર સ્ટેશન વિસ્તાર પાસે આવેલી આશિષ પાર્ક સોસાયટીમાં ઉભરાતી ગટરોની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, સોસાયટીમાં ગટરો ઉભરાવાની સમસ્યા અંગે સાવલી નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું યોગ્ય નિરાકરણ કરવામાં આવ્યું નથી. જેના કારણે સ્થાનિકોમાં નગરપાલિકા તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે.
ઉભરાતી ગટરોમાંથી ગંદુ પાણી તેમજ મળમૂત્ર રોડ પર વહેતું જોવા મળતા રહિશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગંદકી અને દુર્ગંધના કારણે સ્થાનિકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

સ્થાનિકોના આક્ષેપ મુજબ, નગરપાલિકાની ચૂંટણીમાં કોર્પોરેટરો જીત્યા બાદ તેઓ સોસાયટીની સમસ્યાઓ જાણવા કે સ્થળની મુલાકાત લેવા માટે પણ આવ્યા નથી. સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા તેઓમાં રોષ ફેલાયો છે. સ્થાનિકોએ તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ પર સફાઈ કરાવી ઉભરાતી ગટરોની સમસ્યાનું કાયમી નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરી છે.
