(પ્રતિનિધિ,ગોકુળ પંચાલ)
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકા ના પરોલી ગામે ધાર્મિક એકતાની અનોખી પહેલ સાથે ભવ્ય શ્રી રામમંદિરના નિર્માણનો સંકલ્પ સાકાર થવા જઈ રહ્યો છે. પરોલી ખાતે વિવિધ દેવી-દેવતાઓના મંદિરો હોવા છતાં ભગવાન શ્રી રામનું મંદિર ન હોવાથી જૈન મુનિ શ્રી પ્રિયંકરસાગરજી મહારાજ સાહેબે રામમંદિર નિર્માણનો શુભ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમના શુભ ભાવોને ઝીલી ગ્રામજનો, રામભક્તો તથા ઉદારતા પરિવારોના સહયોગથી મંદિર નિર્માણની ભવ્ય તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
જૈન મુનિ શ્રી પ્રિયંકરસાગરજી મહારાજ તથા બાલમુનિ મહારાજ સાહેબના સાનિધ્ય અને સહયોગથી નિર્માણ પામનાર આ મંદિરને પંચમહાલ જિલ્લાના પ્રથમ ભવ્ય શ્રી રામમંદિર તરીકે આકાર આપવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. મંદિરના બાંધકામનો અંદાજિત ખર્ચ રૂ.80થી 90 લાખ જેટલો હોવાનું જણાવાયું છે.

મંદિર નિર્માણના પાવન કાર્યના પ્રારંભરૂપે 21 સપ્ટેમ્બર, 2026ના રોજ ભૂમિશુદ્ધિકરણ માટે સવારે આહવાન વિધિ તથા બપોરે યજ્ઞ-હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક વિધિ દરમિયાન મંત્રોચ્ચાર અને ભક્તિમય વાતાવરણથી સમગ્ર પરોલી ગામમાં શ્રદ્ધા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
આગામી 24 સપ્ટેમ્બરના રોજ સવારે 8:30 કલાકથી શ્રી રામમંદિરના ભૂમિપૂજન, મંદિર ખનન વિધિ અને ખાતમુહૂર્તનો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાશે. ગ્રામજનો અને ઉદારતા પરિવારોના સહકારથી નિર્માણ પામનાર આ મંદિરના ખાતમુહૂર્ત પ્રસંગે લાભાર્થી શ્રી રાજુભાઈ રયજી સોલંકીના વરદહસ્તે ધાર્મિક વિધિ સંપન્ન કરવામાં આવશે.
આ જ દિવસે નિજ મંદિરની નવ શીલાઓનું પૂજન કરવામાં આવશે. સાથે મંદિર નિર્માણ માટેની ઈંટ યોજના અંતર્ગત લાભાર્થીઓ તથા ગામવાસીઓના સહયોગથી 108થી વધુ શીલાઓનું સમૂહપૂજન પણ યોજાશે. કાર્યક્રમને વધુ ભક્તિમય બનાવવા માટે સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે.

મંદિર નિર્માણના પાવન કાર્યમાં વધુ એક મહત્વપૂર્ણ તબક્કા તરીકે 25 સપ્ટેમ્બરના રોજ શ્રી રામમંદિરના ગર્ભગૃહની નવ શીલાઓનું વિધિવત્ સ્થાપન કરવામાં આવશે. આ ધાર્મિક પ્રસંગમાં મોટી સંખ્યામાં રામભક્તો, ગ્રામજનો અને દાતાઓ ઉપસ્થિત રહે તેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે.
પરોલીમાં જૈન ધર્મ ઉપરાંત મેલડી માતાજી સહિત વિવિધ દેવી-દેવતાઓનાં મંદિરો આવેલા છે. જોકે ભગવાન શ્રી રામનું મંદિર ન હોવાથી જૈન મુનિ શ્રી પ્રિયંકરસાગરજી મહારાજે પહેલ કરી રામમંદિર નિર્માણનો સંકલ્પ લીધો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું છે. હવે આ સંકલ્પને ગ્રામજનો અને રામભક્તોનો સહયોગ મળતા પરોલીની ધર્મનગરીમાં શ્રી રામમંદિરના નિર્માણનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે.
મંદિરની બાંધકામ સમિતિ તથા દેખરેખની કામગીરી જૈન મુનિ શ્રી પ્રિયંકરસાગરજી મહારાજના સાનિધ્યમાં હાથ ધરાશે. વિવિધ સમાજો અને રામભક્તોના સહકારથી આ મંદિર માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર જ નહીં, પરંતુ સહઅસ્તિત્વ, શ્રદ્ધા અને ધાર્મિક એકતાનું પ્રતિક બને તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
પંચમહાલના પરોલી ગામે આકાર લેતા આ ભવ્ય શ્રી રામમંદિરને લઈને ગ્રામજનોમાં અત્યારથી જ ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે.
* જૈન મુનિ શ્રી પ્રિયંકરસાગરજી મહારાજના શુભ સંકલ્પને ગ્રામજનોનો સાથ, ભૂમિશુદ્ધિકરણ-યજ્ઞથી ધાર્મિક માહોલ ગુંજ્યો
* 24મીએ ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત, 25મીએ ગર્ભગૃહની નવ શીલાઓનું સ્થાપન
* લગભગ રૂ.80થી 90 લાખના ખર્ચે ભવ્ય રામમંદિર આકાર લેશે, રામભક્તોમાં ભારે ઉત્સાહ
