ઘોઘંબા તાલુકાના નવાનગર ગામે નિર્માણાધીન નવા ગ્રામ પંચાયત મકાનની કામગીરીને લઈને અનિયમિતતા અને નબળી ગુણવત્તાના કામના આક્ષેપો સામે આવ્યા છે. ગ્રામજનોમાં ચર્ચા છે કે જ્યાંથી સમગ્ર ગામના વિકાસ અને વહીવટનું સંચાલન થવાનું છે, એ જ ગ્રામ પંચાયતના નવા મકાનના બાંધકામમાં જો ગુણવત્તા જળવાતી ન હોય તો ગામમાં થતા અન્ય વિકાસ કાર્યોની ગુણવત્તા અંગે પણ સવાલો ઊભા થવું સ્વાભાવિક છે.
ગ્રામ પંચાયતની ચૂંટાયેલી બોડી જે મકાનમાં બેસીને ગામના વિકાસના નિર્ણયો લેશે, તે જ મકાનમાં કામગીરી અંગે સ્થાનિકો દ્વારા ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. કેટલ શેડ, નાળા, ચેકડેમ, રસ્તા, સંરક્ષણ દીવાલ અને આવાસ યોજનાઓ સહિતના અન્ય વિકાસ કાર્યોની ગુણવત્તા કેવી હશે? તેવો સવાલ ગ્રામજનો કરી રહ્યા છે.

નિર્માણાધીન નવા ગ્રામ પંચાયત મકાનની સામે જ જૂનું પંચાયત મકાન આવેલું હોવાનું જણાવવામાં આવે છે, જે થોડા જ વર્ષોમાં જર્જરિત હાલતમાં પહોંચી ગયું હોવાનું સ્થાનિકોનું કહેવું છે. ત્યારે નવા મકાનના બાંધકામમાં પણ જો ગુણવત્તા અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા હોય તો આ મકાન કેટલો સમય ટકશે તે અંગે ગ્રામજનોમાં ચિંતા જોવા મળી રહી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ તથા ગ્રાઉન્ડ ઝીરો ઉપર તપાસ કરતાં નવા પંચાયત મકાનના ધાબામાં કેટલીક જગ્યાએ સળિયા દેખાતા હતા. ઉપરાંત કોલમના કામમાં પણ ગરબડ હોવાની ચર્ચા છે. કેટલાક સ્થળોએ દીવાલ અને ધાબા વચ્ચે ખાલી જગ્યા દેખાતી હોવાનું પણ ગ્રામજનો જણાવી રહ્યા છે.

ઉપરના માળે જવા માટે બનાવવામાં આવેલા દાદરમાં પણ ઠેરઠેર તૂટેલા ભાગો અને ગાબડાં દેખાતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જેના કારણે બાંધકામની ગુણવત્તા અને ટેકનિકલ ચકાસણી અંગે સવાલો ઊભા થયા છે.
ગ્રામ પંચાયત ના નવીન બાંધકામમાં વપરાતી રેતી અને કપચીની ગુણવત્તા પણ શંકાના દાયરામાં છે. નજીકના કોતર વિસ્તારની માટી મિશ્રિત રેતી વાપરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ લોકચર્ચા મુજબ ચણતર માટે જરૂરી પ્રમાણમાં માલસામાન તૈયાર કરવામાં પણ ઘાલમેલ કરવામાં આવી હોવાના આક્ષેપો સામે આવ્યા છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ આ બાબતે સરપંચ સમક્ષ રજૂઆત કરવા જતાં કેટલાક અરજદારોને દમદાટી આપી મોઢું બંધ રાખવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. જોકે આ આક્ષેપોની સત્તાવાર રીતે સ્વતંત્ર તપાસ થવી જરૂરી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.

“પંચાયતનું મકાન જ વિશ્વસનીય નહીં હોય તો વિકાસના અન્ય કામોનું શું?”
ગ્રામજનો સવાલ કરી રહ્યા છે કે જો ગ્રામ પંચાયતનું પોતાનું મકાન જ ગુણવત્તાની કસોટી પર ઊતરતું ન હોય તો સરપંચ અને પંચાયત દ્વારા ગામમાં કરવામાં આવેલા અન્ય વિકાસ કાર્યોની ગુણવત્તા કેટલી વિશ્વસનીય હશે?
એક ગ્રામજનના જણાવ્યા મુજબ નવાનગરમાં અસંખ્ય વિકાસ કાર્યો થયા છે, જેમાંથી કેટલાક કામો અગાઉના હોવા છતાં તેના ઉપર નવો લેપ લગાવી તેને નવા કામ તરીકે દર્શાવી બિલો ઉપાડી લેવામાં આવ્યા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે.
ગ્રામજનો હવે નવા ગ્રામ પંચાયત મકાન સહિત ગામમાં થયેલા વિવિધ વિકાસ કાર્યોની નિષ્પક્ષ અને ટેકનિકલ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
હવે સવાલ એ છે કે, ગ્રામ પંચાયતના નવા મકાનની ગુણવત્તા અંગે ઊભા થયેલા આ ગંભીર આક્ષેપોની તંત્ર દ્વારા તપાસ કરવામાં આવશે કે પછી ‘દીવા તળે અંધારું’ જેવી સ્થિતિ યથાવત રહેશે?

જૂની પંચાયતમાંથી બોધપાઠ નહીં! નવી પંચાયત પણ ગુણવત્તાના સવાલોમાં
નવાનગર ગ્રામ પંચાયતનું જૂનું અને નવું મકાન સામસામે આવેલું છે. ગુણવત્તા વગરના કામના કારણે જૂનું પંચાયત મકાન જોઇયે તેટલા ટક્યું નહીં ને થોડા વર્ષો માં જર્જરિત થઈ ગયું હોવાની ચર્ચા છે. પરંતુ જૂના મકાનની હાલતમાંથી બોધપાઠ લેવાના બદલે નવા પંચાયત મકાનના બાંધકામમાં પણ ગેરરીતિ અને નબળી ગુણવત્તાના કામ થઈ રહ્યા છે.
પંચાયતની દીવાલને અડીને જ સરકારી યોજના હેઠળ ઉકરડા બનાવવામાં આવ્યા હોવાનો મુદ્દો પણ ચર્ચાનો વિષય બન્યો છે. ગ્રામજનો સવાલ કરી રહ્યા છે કે વિકાસના અન્ય કામોમાં સરકારી નાણાંના ગેરવહીવટના આક્ષેપો વચ્ચે ઓછામાં ઓછું ગ્રામ પંચાયતનું મકાન તો મજબૂત અને ગુણવત્તાયુક્ત બનાવવું જોઈએ.
“એક ઘર તો ડાકણ પણ છોડે” આતો કોઈને છોડતા નથી તેમ ગ્રામજનો જણાવી રહ્યા છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે, જૂના પંચાયત મકાન જેવી જ હાલત થોડા વર્ષોમાં નવા મકાનની પણ થશે કે પછી તંત્ર સમયસર તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરશે?
